Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:36

[1] પછી યહોવાહે મૂસાને કહ્યું,

[2] “પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે.

[3] તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે.

[4] મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.

[5] તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.

[6] તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.

[7] તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે.

[8] તું મુલાકાતમંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.

[9] તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.

[10] તું દહનીયાર્પણની વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.

[11] તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.

[12] તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.

[13] તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.

[14] તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.

[15] જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”

[16] યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.

[17] બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.

[18] મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા.

[19] યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું.

[20] તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.

[21] કરારકોશને મૂસાએ પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.

[22] મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.

[23] તેના ઉપર મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.

[24] મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી.

[25] યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ તેના ઉપર યહોવાહ સમક્ષ દીવા સળગાવ્યાં.

[26] મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.

[27] મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.

[28] પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.

[29] મૂસાએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે દહનીયાર્પણની વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.

[30] તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.

[31] મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.

[32] જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

[33] મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.

[34] પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.

[35] મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.

[36] જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા.

[37] પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ પામતા નહિ.

[38] યહોવાહ દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.

નિર્ગમન — Chapters