Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:03

[1] યહોવાહે મૂસાને કહ્યું,

[2] “ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારા માટે જે અર્પણ આપવા ઇચ્છે છે તે રાજીખુશીથી આપે. તે તમારે મારે માટે અર્પણ તરીકે સ્વીકારવું.

[3] તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું

[4] અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,

[5] ઘેટાંનાં ચામડાં જે પકવેલાં અને લાલ રંગમાં રંગેલાં હોય તથા ચામડાં અને બાવળનાં લાકડાં.

[6] વળી દીવા માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુગંધીઓ,

[7] ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.

[8] અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.

[9] હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.

[10] બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકરારકોશ બનાવવો.

[11] તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.

[12] પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.

[13] બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.

[14] અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.

[15] દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.

[16] અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.

[17] વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું.

[18] અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.

[19] અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય.

[20] એ કરુબોની પાંખો ઊંચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેઓનાં મુખ એકબીજાની સામે હોય અને દયાસન તરફ વળેલાં હોય.

[21] એ દયાસન ઉપર મૂકવું અને કરારકોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.

[22] અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.

[23] વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે.

[24] તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે.

[25] તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.

[26] તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે.

[27] મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં.

[28] મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.

[29] મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.

[30] તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.

[31] વળી શુદ્ધ સોનાનું એક દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય અને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.

[32] તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળે; એક બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.

[33] એક શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.

[34] દીપવૃક્ષમાં બદામફૂલના આકારના ચાર પ્યાલા, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય.

[35] દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.

[36] અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.

[37] દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.

[38] એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.

[39] આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.

[40] તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.

નિર્ગમન — Chapters