Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:32

[1] ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.

[2] આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.

[3] વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.

[4] એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.

[5] એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.

[6] દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે કરારકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.

[7] એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો.

[8] અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવાહ સમક્ષ ધૂપ બાળવો.

[9] તારે એ વેદી પર અન્ય ધૂપ બાળવો નહિ કે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે પેયાર્પણ ચઢાવવાં નહિ.

[10] વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે.

[11] યહોવાહે મૂસાને કહ્યું,

[12] “તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.

[13] વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.

[14] વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.

[15] મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.

[16] ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે.”

[17] યહોવાહે મૂસાને કહ્યું,

[18] “હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

[19] હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો.

[20] જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ.

[21] તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.”

[22] યહોવાહે મૂસાને કહ્યું,

[23] “તારે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, એટલે પાંચસો શેકેલ ચોખ્ખો બોળ, અઢીસો શેકેલ સુગંધીદાર તજ, અઢીસો સુગંધીદાર બરુ,

[24] પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું.

[25] નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.

[26] અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને,

[27] બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને,

[28] દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.

[29] આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે.

[30] ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર.

[31] તારે ઇઝરાયલીઓને કહેવું, ‘તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય.

[32] તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે.

[33] જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.’”

[34] યહોવાહે મૂસાને કહ્યું, “તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં.

[35] તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું.

[36] એમાંથી થોડો ભાગ ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમારે આ ધૂપને અત્યંત પવિત્ર માનવો.

[37] આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી.

[38] તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે.”

નિર્ગમન — Chapters