Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:36

[1] બસાલેલ, આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના હૃદયમાં યહોવાહે પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ, અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાહે આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.”

[2] પછી મૂસાએ બસાલેલ, આહોલીઆબ તથા જે કારીગરોને યહોવાહે કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે સર્વને બોલાવ્યા અને કામ શરૂ કરવા જણાવ્યું.

[3] જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી ઐચ્છિકાર્પણ લાવતા હતા.

[4] તેથી પવિત્રસ્થાનનું કામ કરનારા બધા જ કારીગરો પોતપોતાનું કામ છોડીને આવ્યા.

[5] તેઓએ મૂસાને કહ્યું, “યહોવાહે જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરું કરવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણું વધારે લોકો લાવ્યા કરે છે.”

[6] તેથી મૂસાએ આખી છાવણીમાં એવી સૂચનાઓ આપી કે પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈએ હવે કંઈ કાર્ય ન કરવું. પછી લોકો ભેટો લાવતા અટક્યા.

[7] અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું.

[8] તેઓમાંના પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે કરુબના આકૃતિ સાથે ભૂરા, જાંબુડા, કિરમજી રંગના, ઝીણા કાંતેલા શણના તથા લાલ ઊનના દશ પડદાઓનો મંડપ બનાવ્યો. આ કામ બસાલેલનું હતું, જે હોશિયાર કારીગર હતો.

[9] પ્રત્યેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ તથા પ્રત્યેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા.

[10] બસાલેલે પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા અને બીજા પાંચ પડદા એકબીજાની સાથે જોડ્યા.

[11] તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા વસ્ત્રની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું.

[12] એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા પડદામાં કિનારે તેણે પચાસ નાકાં બનાવ્યાં. આમ નાકાં એકબીજાની સામસામે હતા.

[13] આ નાકાંઓને જોડવા માટે તેણે પચાસ સોનાની કડીઓ બનાવી અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ મંડપ બન્યો.

[14] એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદાઓ બનાવ્યાં.

[15] પ્રત્યેક પડદાની લંબાઈ ત્રીસ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી. તે અગિયાર પડદા એક જ માપના હતા.

[16] તેણે પાંચ પડદા એકબીજા સાથે જોડ્યા અને બીજા છ પડદાને એકબીજા સાથે જોડ્યા.

[17] તેણે પહેલા મોટા પડદાના છેલ્લાં પડદાની કિનારે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં બનાવ્યાં.

[18] તેમને જોડીને આખો તંબુ બનાવવા માટે બસાલેલે પિત્તળની પચાસ કડીઓ બનાવી.

[19] તેણે તંબુને માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું આચ્છાદન બનાવ્યું અને તે પર ચામડાંનું આચ્છાદન બનાવ્યું.

[20] બસાલેલે પવિત્રમંડપને માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં.

[21] પ્રત્યેક પાટિયાની લંબાઈ દશ હાથ અને દરેક પાટિયાની પહોળાઈ દોઢ હાથ હતી.

[22] પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું.

[23] તેણે મંડપને માટે પાટિયાં બનાવ્યાં. તેણે દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.

[24] બસાલેલે તે વીસ પાટિયાંની નીચે ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયાં નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ પણ બનાવી.

[25] ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે વીસ પાટિયાં બનાવ્યાં.

[26] અને તે વીસ પાટિયાંની ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટીયા નીચે બે કૂંભીઓ અને બીજા પાટીયા નીચે બે કૂંભીઓ બનાવી.

[27] મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછી તેને માટે તેણે છે પાટિયાં બનાવ્યાં હતાં.

[28] તેની પછીના છેડાઓને માટે તેણે બે પાટિયાં બનાવ્યાં.

[29] તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું.

[30] આમ આઠ પાટિયાં હતાં, તેઓની ચાંદીની સોળ કૂંભીઓ હતી. એટલે દરેક પાટીયા નીચે બબ્બે કૂંભીઓ બનાવી.

[31] તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાને સારુ પાંચ,

[32] મંડપની બીજી બાજુનાં પાટિયાને સારુ પાંચ ભૂંગળો અને પશ્ચિમ તરફ મંડપની પછીના પાટિયાંને માટે પાંચ ભૂંગળો.

[33] તેણે વચલી ભૂંગળને પાટિયાંને મધ્ય ભાગે એક છેડાથી તે બીજા છેડા સુધીની અડધી ઊંચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી ખોસી.

[34] તેણે આ પાટિયાઓ સોનાથી મઢ્યાં. તેણે ભૂંગળોને રાખવાની જગ્યાને માટે સોનાનાં કડાં બનાવ્યાં અને ભૂંગળોને સોનાથી મઢી.

[35] તેણે ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. નિપુણ કારીગરે કરુબોવાળો તે બનાવ્યો.

[36] તેણે તેને સારુ બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યાં અને તેઓને સોનાથી મઢ્યા. તેઓના આંકડા સોનાના હતા અને તેણે તેઓને સારુ ચાંદીની ચાર કૂંભીઓ બનાવી.

[37] તેણે મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનારના હાથે બનેલા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો.

[38] તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સુદ્ધાં અને તેણે તેઓના મથાળાં તથા ચીપો સોનાથી મઢ્યા અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી.

નિર્ગમન — Chapters