[1] બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે.
[2] તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે,
[3] ‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’”
[4] વળી પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.
[5] દાસો સેવકો, જેમ તમે ખ્રિસ્તને આધીન થાઓ છો તેમ પૃથ્વી પરના જેઓ તમારા માલિકો છે તેઓને આદર સાથે નિખાલસ મનથી આધીન થાઓ;
[6] માણસોને પ્રસન્ન કરનારાઓની જેમ દેખરેખ હોય ત્યાં સુધી જ મન વગરનું કામ કરનારની રીતે નહિ, પણ ખ્રિસ્તનાં સેવકોની જેમ, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો,
[7] માણસોની નહિ, પણ જાણે તે પ્રભુની સેવા હોય તેમ સંતોષથી કરો;
[8] જે કોઈ કંઈ સારું કરશે, તે દાસ હોય કે સ્વતંત્ર હોય, પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે, એમ સમજો.
[9] વળી માલિકો, તમે દાસોની સાથે એમ જ વર્તો, ધમકાવવાનું છોડી દો, અને જાણો કે તેઓનો તથા તમારો પણ એક જ માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.
[10] અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ.
[11] શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.
[12] કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે.
[13] એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.
[14] તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને
[15] તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને, ઊભા રહો.
[16] સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો.
[17] અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.
[18] પવિત્ર આત્મામાં સર્વ પ્રકારે સતત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સર્વ સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.
[19] અને મારે માટે પણ પ્રાર્થના કરો કે, જે સુવાર્તાને સારુ હું સાંકળોથી બંધાયેલો એલચી છું, તેનો મર્મ જણાવવાંને મને મારું મુખ ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે;
[20] અને જેમ બોલવું ઘટિત છે, તેમ હિંમત પૂર્વક હું બોલી શકું.
[21] વળી મારી બાબતના સમાચાર અને મારી સ્થિતિ કેવી છે તે તમે પણ જાણો માટે તુખિકસ જે પ્રભુમાં મારો પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક છે તે તમને સર્વ માહિતી આપશે.
[22] તમે અમારી પરિસ્થિતિ જાણો અને તે તમારાં હૃદયોને દિલાસો આપે, તેટલાં જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.
[23] ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભાઈઓને શાંતિ તથા વિશ્વાસસહિતનો પ્રેમ બક્ષો.
[24] જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખે છે તેઓ સર્વ પર કૃપા હો. આમીન.