Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:07

[1] એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;

[2] સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;

[3] શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.

[4] જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;

[5] એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,

[6] એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

[7] આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.

[8] એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.

[9] તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.

[10] જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.

[11] વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,

[12] તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;

[13] ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.

[14] જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.

[15] પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.

[16] એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.

[17] એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;

[18] તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.

[19] તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.

[20] પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,

[21] જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,

[22] તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.

[23] અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.

[24] અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.

[25] એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.

[26] ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;

[27] અને શેતાનને સ્થાન આપો નહિ.

[28] ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.

[29] તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.

[30] ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.

[31] સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.

[32] તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.

એફેસીઓને પાઉલ પ્રેરિતનો પત્ર — Chapters