Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:04

[1] એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;

[2] અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ.

[3] વ્યભિચાર તથા સર્વ પ્રકારની અશુદ્ધતા અથવા દ્રવ્યલોભનાં નામ પણ સરખાં તમારે કદી ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે;

[4] જે અશોભનીય છે એવી નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા હસીમજાક તમારામાં ન થાય પણ તેના બદલે આભારસ્તુતિ કરવી.

[5] કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તનાં તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી.

[6] તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.

[7] એ માટે તમે તેઓના સહભાગી ન થાઓ.

[8] કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો.

[9] કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.

[10] પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો.

[11] અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.

[12] કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.

[13] જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે.

[14] માટે કહેલું છે કે, ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, અને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.

[15] તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;

[16] સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.

[17] તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો.

[18] દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;

[19] ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;

[20] આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.

[21] ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.

[22] પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ;

[23] કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે.

[24] જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું.

[25] પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ;

[26] એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને પવિત્ર કરે,

[27] અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે.

[28] એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે;

[29] કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ,

[30] કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.

[31] એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.

[32] આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.

[33] તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.

એફેસીઓને પાઉલ પ્રેરિતનો પત્ર — Chapters