Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:14

[1] વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;

[2] એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા;

[3] તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.

[4] પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,

[5] આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;

[6] અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા;

[7] એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે.

[8] કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;

[9] કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;

[10] કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

[11] એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;

[12] તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.

[13] પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.

[14] કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;

[15] સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,

[16] અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.

[17] અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;

[18] કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.

[19] એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.

[20] પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;

[21] તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે;

[22] તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.

એફેસીઓને પાઉલ પ્રેરિતનો પત્ર — Chapters