Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:55

[1] તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

[2] જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો.

[3] તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો.

[4] યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા.

[5] આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો.

[6] બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.

[7] પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.

[8] ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.

[9] તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.

[10] તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો.

[11] યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો.

[12] જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો, તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.

[13] તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના વંશજો છો, તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો.

[14] તે આપણા ઈશ્વર, યહોવાહ છે. તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે.

[15] તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો.

[16] ઇબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી.

[17] એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.

[18] તેમણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.”

[19] જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.

[20] તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.

[21] ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.

[22] તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”

[23] હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો.

[24] રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો.

[25] કેમ કે યહોવાહ મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે.

[26] કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.

[27] તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે.

[28] હે લોકોનાં કુળો, તમે યહોવાહને, હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો.

[29] યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો.

[30] સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી.

[31] આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવાહ રાજ કરે છે.”

[32] સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.

[33] પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે.

[34] યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.

[35] બોલો, “હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ.”

[36] ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાહની સ્તુતિ કરી.

[37] ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી.

[38] તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા.

[39] સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.

[40] યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા.

[41] તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.

[42] હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું.

[43] પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.

1 કાળવૃતાંત — Chapters