Skip to content
Opens in a new window

[1] ફરી મેં ઊંચે જોયું તો હવામાં ઊડતું એક ઓળિયું મારી નજરે પડ્યું.

[2] દેવના દૂતે મને પૂછયું, “તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઊડતું ઓળિયું, એ વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”

[3] ત્યારે તેણે મને કહ્યું, “આ ઓળિયું સમગ્ર દેશ પર આવનાર દેવના શાપના શબ્દોનું પ્રતિક છે. એમાં લખ્યા મુજબ ચોરી કરનાર અને ખોટા સમ ખાનાર એકેએક જણને હવે હાંકી કાઢવામાં આવશે.”

[4] સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “હું આ શાપ દરેક ચોરના ઘરમાં અને જેણે મારા નામે ખોટું વચન આપ્યું છે તે દરેકના ઉપર મોકલું છું. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો સંપૂર્ણપણે નાશ કરશે.”

[5] પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી આંખો ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.”

[6] મેં પૂછયું, “એ શું છે?” એટલે તેણે કહ્યું, “વસ્તુ જે બહાર આવે છે તે ટોપલી છે.” અને તેણે કહ્યું, “આ દેશના લોકોના પાપોને માપવાનો ટોપલો છે.”

[7] અને અચાનક ટોપલાં પરનું ભારે ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રીને મેં જોઇ!

[8] અને પેલાં દેવદૂતે કહ્યું, “તે સ્ત્રી દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તે સ્ત્રીને પાછી ટોપલામાં મૂકી દીધી અને સીસાનું ભારે ઢાંકણ બંદ કરી દીધું.

[9] પછી મેં ઉપર નજર કરી અને બે સ્ત્રીઓને આગળ આવતી જોઇ તેમને બગલાના જેવી પાંખો હતી. તેઓની પાંખોથી તેઓ હવામાં ઊડી. જમીન અને આકાશની વચ્ચે તેઓએ મોટો ટોપલો ઉંચકયો હતો.

[10] પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “એ લોકો ટોપલો ક્યાં લઇ જાય છે?”

[11] તેણે જવાબ આપ્યો, “તેઓ તેને બેબિલોન લઇ જશે અને તેની આરાધના કરવાને મંદિર બાંધશે, અને જ્યારે તે તૈયાર થશે ત્યારે એ લોકો ટોપલાને એને સ્થાને ગોઠવી દેશે.”

ઝખાર્યા — Chapters