[1] મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો.
[2] મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરૂશાલેમને માપવા; તેની પહોળાઇ કેટલી છે અને તેની લંબાઇ કેટલી છે, તે જાણવા સાંરુ.”
[3] પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો.
[4] બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે, ‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’
[5] કારણ, યહોવા કહે છે કે, ‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.’”
[6] યહોવા કહે છે; “જાઓ, ઉત્તરના પ્રદેશમાંથી નાસી છૂટો. આકાશના ચાર વાયુની દિશાઓમાં મેં તમને ફેલાવી દીધા છે.
[7] બાબિલમાં વસનારા સિયોનના લોકો નાસી જાઓ.”
[8] સૈન્યોનો દેવ યહોવાએ મને સન્માન લાવવા માટે મોકલ્યો છે અને તમને લૂંટનારી પ્રજાઓ પાસે મોકલ્યા છે, કારણ, જે તમને અડે છે તે તેની આંખની કીકીને અડે છે.
[9] જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ અને તેઓ તેમના સેવકોને હાથે લૂંટાશે, અને ત્યારે તમે જાણશો કે સૈન્યોનો દેવ યહોવાએ મને મોકલ્યો છે.”
[10] યહોવા કહે છે, “સિયોનના વતનીઓ, ગીતો ગાઓ અને આનંદ કરો, કારણ, જુઓ, હું આવું છું અને તમારી વચ્ચે વસનાર છું.
[11] તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, અને તેઓ એની પ્રજા થશે અને યહોવા તેમની વચ્ચે વસશે,” અને ત્યારે તમને જાણ થશે કે યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.
[12] અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે. અને યહોવા ફરીથી યરૂશાલેમને પસંદ કરશે.
[13] યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ, તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે.