Skip to content
Opens in a new window

[1] ઇસ્રાએલને લગતી દેવ વાણી, આકાશને ફેલાવનાર અને પૃથ્વીને સ્થિર કરનાર તથા માણસની અંદર જીવ પૂરનાર યહોવાના આ વચન છે:

[2] “હું યરૂશાલેમને પડોશી પ્રજાઓ માટે કેફી પ્યાલા જેવો બનાવીશ કે જે નગર પર હુમલો કરશે, તેઓ પણ યહૂદિયા પર હુમલો કરશે. તેઓ યહૂદિયાને પણ ઘેરો ઘાલશે.

[3] તે દિવસે હું યરૂશાલેમને બધી પ્રજાઓ માટે ભારે શિલારૂપ બનાવી દઇશ. જે કોઇ તેને ઉપાડવા જશે તે ભયંકર રીતે ઘવાશે. પૃથ્વી ઉપરની બધી પ્રજાઓ ભેગી થઇને તેનો સામનો કરશે.

[4] તે દિવસ તેની સામે થનાર સૈન્યોને હું મૂંઝવી નાખીશ અને તેઓને મૂર્ખા બનાવીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી નજર રાખીશ. પણ તેના દુશ્મનોને આંધળા કરી નાખીશ.

[5] અને યહૂદિયાના કુળના સરદારો લોકોને પ્રોત્સાહન આપશે તેઓ કહેશે, ‘સૈન્યોનો યહોવા તમારા દેવ છે જેણે આપણને પ્રબળ કર્યા છે.’

[6] તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને વનમાં આગ લગાડનાર ચિંગારી સમાન અને ઘાસની ગંજીને આગ ચાંપનાર મશાલ સમાન બનાવીશ. તે જમણી અને ડાબી બાજુના પડોશી દેશોને બાળી નાખશે પણ યરૂશાલેમ અડગ રહેશે.”

[7] યહોવા, પહેલાં યહૂદિયાના ગામોને વિજયી બનાવશે, તે બતાવવા કે દાઉદનું કુળ અને યરૂશાલેમ યહૂદિયાના બીજા લોકો કરતા ચડિયાતા નથી.

[8] તે દિવસે હું યરૂશાલેમના વતનીઓનું રક્ષણ કરીશ, જેથી તેઓમાંનો નબળામાં નબળો માણસ પણ દાઉદ જેવો બળવાન બની જશે. અને દાઉદના કુટુંબો દેવની જેમ, યહોવાના દૂતની જેમ તેમની આગળ હશે.

[9] “તે દિવસે હું યરૂશાલેમની સામે ચઢી આવનાર બધી પ્રજાઓનો નાશ કરનાર છું.

[10] પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે.

[11] અને મગિદોનની ખીણમાં હદાદરિમ્મોનના વિચારના જેવા ભારે વિચાર તે દિવસે યરૂશાલેમમાં થશે.

[12] દેશનાં સર્વ કુળો એકબીજાથી જુદા પડી જશે અને શોક કરશે. દાઉદના વંશજોના પુરુષો અલગ શોક પાળશે, અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; નાથાનના વંશજોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે.

[13] લેવીના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; શિમઇના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે; અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે;

[14] અને બાકીના બધા કુટુંબોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે.”

ઝખાર્યા — Chapters