Skip to content
Opens in a new window

[1] હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું આવ્યો છું મારા બાગમાં; મેં એકઠાં કર્યાં છે મારા બોળને સુગંધી દ્રવ્યો; ને મેં ખાધું છે મધ મારાં મધપૂડામાંથી; મેં પીધો છે મારો દ્રાક્ષારસ મેં મારા દૂધની સાથે;

[2] હું સૂતી હોઉં છું પણ મારું હૃદય જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે! તે ખટખટાવે છે દરવાજો ને કહે છે કે, “મારી પ્રાણપ્રિયા, મારી વ્હાલી મારી (ક્ષતિહીન) સંપૂર્ણ, મારી સુંવાળી સ્ત્રી, મારે માટે બારણું ખોલ; મારા વાળ રાત્રીના ઝાકળથી ભરેલા છે, તેથી મારું માથું ઝાકળથી ભીજાઇ ગયું છે!”

[3] “મે મારું વસ્ત્ર કાઢયું છે; તે હું કેવી રીતે ફરી પહેરું? મેં મારા ચરણ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?”

[4] મારા પ્રીતમે કાણામાંથી તેનો હાથ અંદર નાખ્યો અને મારા મનમાં તેના પર દયા આવી.

[5] હું બારણું ખોલવા કૂદી પડી અને સાંકળ ખોલવા ગઇ ત્યારે મારા હાથમાંથી અત્તર અને મારી આંગળીઓમાંથી બોળ ટપકવા લાગ્યું.

[6] મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું; પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો; તે બોલ્યો તે સમયે મારું મન નાહિમ્મત થઇ ગયું હતું; મેં તેને શોધ્યો, પણ મને જડ્યો નહિ. મે તેને બોલાવ્યો, પણ તેણે મને કઇં ઉત્તર આપ્યો નહિ.

[7] નગરની ચોકી કરતાં ચોકીદારોએ મને જોઇ; તેમણે મને મારી અને ઘાયલ કરી, નગરની દીવાલ પાસે ફરજ બજાવતાં ચોકીદારે મારો ઘુમટો ચીરી નાખ્યો.

[8] હે યરૂશાલેમની કન્યાઓ; હું તમને સમ દઉ છું કે, જો તમને મારો પ્રીતમ મળે, તો તેને કહેજો કે હું પ્રેમની બિમારીથી પીડિત છું.

[9] ઓ સ્ત્રીઓમાં શ્રે સુંદરી, અમને કહે કે, તારા પ્રીતમમાં બીજાના કરતાં એવું શું છે કે, તું અમને આવી આજ્ઞા કરે છે?

[10] મારો પ્રીતમ ઉજળો મનોહર બદામી રંગનો છે, અને ફૂટડો છે, દશહજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે!

[11] તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે, તેની લટો લહેરાતી અને કાગડાના રંગ જેવી કાળી છે.

[12] તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે; તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.

[13] તેના ગાલ સુગંધી દ્રવ્ય તેજાના ઢગલા જેવા, તથા મધુર સુગંધવાળા ફૂલો જેવા છે; જેમાંથી કસ્તૂરી ઝરતી હોય ગુલછડીઓ જેવા તેના હોઠ છે!

[14] તેના હાથ સોનાની વીંટીઓ જે કિંમતી પથ્થરોથી જડવામાં આવી છે. તેનું શરીર નીલમ જડિત સફેદ હાથીદાંત જેવું છે.

[15] તેના પગ શુદ્ધ સુવર્ણના પાયા પર ઊભા કરેલા આરસપહાણના સ્તંભો જેવા છે, તે લબાનોનના ઊમદા દેવદાર વૃક્ષો જેવો ઊંચો ઊભો રહે છે.

[16] તેનું મુખ અતિ મધુર અને મનોહર છે, હે યરૂશાલેમની યુવતીઓ, આવો છે મારો પ્રીતમ ને મારો મિત્ર.

ગીતોનું ગીત — Chapters