[1] સુલેમાનનું આ સર્વોતમ ગીત. પ્રેમિકા પોતાના પ્રેમીને:
[2] તારા ચુંબનોથી તું મને નવડાવી દે; કારણ તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
[3] તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથીજ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
[4] હે મારા પ્રેમી, મને લઇ જા તારી સાથે; ચાલ, ચાલને આપણે ભાગી જઇએ, રાજા મને તેના રાજમહેલમા લાવ્યો છે.
[5] હે યરૂશાલેમની દીકરીઓ, હું રંગે શ્યામ છતાં સ્વરૂપવાન છું, મારી શ્યામલતા કેદારના તંબુઓના જેવી અથવા સુલેમાનના તંબૂના પડદાઓ સમાન છે.
[6] હું રંગે શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. આ સૂર્યના તડકાએ મને બાળી નાખી છે; મારા ભાઇઓ પણ કોપાયમાન થયા હતા; અને દ્રાક્ષાવાડીની રખેવાળી કરવા ત્યાં મને મોકલી આપી. તેથી હું શ્યામ થઇ ગઇ, મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.
[7] હે પ્રાણપ્યારા, મને જણાવ તો ખરો કે, આજે ઘેટાં-બકરાં ચરાવવા કયાં જઇ રહ્યો છે? તેમને બપોરે વિસામો ક્યાં આપે છે તે તો કહે; તારા સાથીદારોના ટોળાની સાથે બુરખાવાળી સ્રીની જેમ હું ભટકું તે કરતાં તારી સંગત સારી છે.
[8] હે વિશ્વસુંદરી! જો તને ખબર ના હોય તો, ટોળાને પગલે પગલે, ભરવાડના નેસડા સુધી આવજે, અને ત્યાં તારાઁ ઘેટાં ને લવારાં ચારજે.
[9] મારી પ્રિયતમા! મેં તને સરખાવી છે, ફારુનના રથોના ઘોડાની સુંદરતા સાથે.
[10] તારા ગાલ પર તારા આભૂષણો સુંદરતાથી લટકે છે અને તારી ગરદન હીરા જડિત હારો થી ચમકે છે.
[11] અમે તારા માટે રૂપું જડેલા સોનાના આભૂષણો બનાવડાવીશું.
[12] રાજાએ મેજ ગોઠવ્યું છે અને તેને તેજાના વડે સરસ સુગંધીત કર્યુ છે.
[13] મારો પ્રીતમ મારા સ્તનોની વચ્ચે કસ્તુરીની થેલી જેવો લાગે છે.
[14] મને મારો પ્રીતમ, એન-ગેદીની મેંદીનાઁ પુષ્પગુચ્છ જેવો લાગે છે.
[15] મારી પ્રિયતમ, તું કેટલી સુંદર લાગે છે, હા ખરેખર ખુબ સુંદર! અને આ તારી આંખો પણ કેવી પારેવા જેવી નમણી લાગે છે.
[16] હે પ્રીતમ, તું સુંદર છે, તું મનોહર છે; વળી આપણો પલંગ પણ લીલાછમ ઘાસની જેમ છે.
[17] આપણા ઘરના ધાબાના મોભ એરેજ વૃક્ષો અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષોના બનેલા છે.