[1] મેં રાત્રે મારા પ્રાણપ્રિયને મારા પલંગમાં શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.
[2] હું શહેરની ગલી ગલી અને રસ્તા ફરી વળી; છતાંય મારી સઘળી શોધખોળ નિષ્ફળ નીવડી.
[3] નગરમાં રોન ફરતાં ચોકીદારોનો મને ભેટો થયો; મેં તેઓને પૂછયું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”
[4] થોડા સમય પછી મને મળ્યો મારો પ્રાણપ્રિય, પકડી લીધો મેં તેને, તે લાવી નિવાસસ્થાને; ને ખેંચી ગઇ મુજ જનેતાના ઘરમાં; ત્યાં સુધી નહિ છોડ્યાં મેં મારા પ્રીતમને.
[5] હે યરૂશાલેમની યુવતીઓ, હું તમને હરણીઓના તથા મૃગલીઓના સમ દઇને વીનવું છું કે યર્થાથ સમય આવ્યા પહેલાં મારા પ્રીતમને જગાડશો નહિ.
[6] રણ તરફથી આવતો, આ જે મધુર સુગંધી ધૂપ બાળીને બનાવેલાં ધુમાડાંના સ્તંભ જેવો લાગે છે તે કોણ છે?
[7] જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની સાથે છે ઇસ્રાએલી સૈન્યના સાઠ યોદ્ધાઓ
[8] તેઓ કુશળ તરવારબાજ અને અનુભવી અંગરક્ષકો છે, રાત્રીના ભયને કારણે દરેકની કમરે તરવાર લટકે છે.
[9] લબાનોનના કાષ્ટમાંથી બનાવ્યો છે રથ, સુલેમાન રાજાએ પોતાના ઉપયોગાર્થે.
[10] તેણે તેના સ્તંભ ચાંદીના અને છત સોનાની, અને તેનું આસન બનાવ્યું જાંબુડા રંગનું; યરૂશાલેમની દીકરીઓ દ્વારા અંદરથી તે પ્રેમપૂર્વક શણગારાયેલી હતી.
[11] “ઓ સિયોનની યુવતીઓ, જાઓ અને જુઓ સુલેમાન રાજાને, એના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટસહિત નિહાળો તેને.”