Skip to content
Opens in a new window

[1] પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં.

[2] તેમણે એફોદ સોનાનું તથા જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન અને ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.

[3] સોનાને ટીપીને બઝાલએલે સોનાના પાતળાં પતરાં બનાવ્યાં. અને તેને કાપીને તેના તાર બનાવ્યા. આ તાર ભૂરા, જાંબુડા, અને કિરમજી રંગના કાપડમાં વણી લેવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.

[4] એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા. જેથી તે બાંધી શકાય.

[5] એના ઉપરનો કમરપટો પણ યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એફોદના જેવી ન કારીગરીવાળો અને સોનેરી, જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો.

[6] પછી તેમણે બે ગોમેદ પાષાણો સોનાના ચોકઠામાં જડયા, આ પાષાણો ઉપર ઇસ્રાએલના કુળોનાં નામ કોતરેલાં હતાં.

[7] અને પછી તેઓએ તેને એફોદના ખભાના પટ્ટા સાથે, દેવને ઇસ્રાએલીઓની યાદી તરીકે જોડી દીધા. યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવામાં આવ્યું હતું.

[8] તેમણે ન્યાયકરણ ઉરપત્ર એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માંટે તેમણે સોનાના દોરા, જાબુંડિયા, કિરમજી, અને લાલ ઉન તથા ઝીણા કાંતેલા શણનો ઉપયોગ કર્યો.

[9] તે એક સમચોરસ બેવડ વાળેલું એક વેંત લાંબું અને એક વેંત પહોળું હતું.

[10] એમાં નંગોની ચાર હાર બેસાડેલી હતી; પ્રથમ હારમાં માંણેક, પોખરાજ અને લાલ રત્ન હતા.

[11] બીજી હારમાં લીલમ, નીલમ અને હીરા.

[12] ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત

[13] અને ચોથી હારમાં ગોમેદ, પિરોજ અને યાસપિસની, એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.

[14] આ રીતે તેમાં બાર નંગો હતા અને તેના પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. પ્રત્યેક નંગ પર ઇસ્રાએલના એક વંશનું નામ કળાથી કોતરેલું હતું.

[15] તેમણે ન્યાયકરણ ઉરપત્ર માંટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.

[16] તદુપરાંત તેમણે સોનાની બે વાળી બનાવી ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માંટે બે સોનાની નકશી બનાવી.

[17] પછી ન્યાયકરણ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.

[18] એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને એ રીતે એ ચોકઠાં ન્યાયકોથળીની સ્કંધપટીઓના આગળના ભાગ પર જોડી દીધાં.

[19] તે પછી સોનાની બીજી બે કડીઓ બનાવી એફોદની નજીકના ન્યાયકરણ ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.

[20] ત્યારબાદ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.

[21] ન્યાયકરણ ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્ર કરમપટા ઉપર રહે અને છૂટ્ટુ ન પડી જાય.

[22] અફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો એક કુશળ કારીગરે બનાવ્યો હતો.

[23] તેમણે જામાંની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. તેની કિનાર ફાટી ન જાય તે માંટે સીવવામાં આવી હતી.

[24] જામાંની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના તથા ભૂરા તથા જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.

[25] તેમજ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવી એ દાડમો વચ્ચે આખી નીચલી બાજુએ મૂકી હતી.

[26] એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે હારુન યહોવાની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.

[27] તેમણે હારુન અને તેના પુત્રો માંટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં,

[28] વળી ઝીણા કાંતેલા શણમાંથી પાધડીઓ, ફાળિયા, અને પાયજામાં બનાવ્યા.

[29] તથા યહોવાની આજ્ઞા મુજબ ભૂરા, કિરમજી, અને લાલ ઊનનો ભરત ભરેલો ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.

[30] અંતે તેમણે શુદ્ધ સોનામાંથી એક તકતી બનાવી જેની પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, “યહોવા પવિત્રતા” તે મુગટ ઉપર જડેલી હતી.

[31] એ ભુરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી, જે પાઘડી ઉપર બંધાએલી હતી.

[32] આ રીતે યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર પવિત્રમંડપનું કામ પૂર્ણ થયું. આ બધુંજ ઇસ્રાએલીઓએ આજ્ઞા મુજબ કર્યું.

[33] પછી તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલીઓ અને કૂભીઓ,

[34] તેઓએ તેને સુકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના ઢાંકણ અને ઝીણા ચામડામાંથી બનાવેલા ઢાંકણ અને અત્યંત પવિત્રજગ્યાનાં પ્રવેશ દ્વારનો પડદો બનાવ્યો.

[35] કરારકોશ, તેના દાંડા, તેનું ઢાંકણ,

[36] મેજ અને તેનાં બધાં સાધનો, અર્પણ કરેલી રોટલી,

[37] શુદ્ધ સોનાનું દીપવૃક્ષ-તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, અને તેનાં બધાં સાધનો, અને પૂરવાનું તેલ,

[38] સોનાની વેદી, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાત મંડપના પ્રવેશદ્વારનો પડદો,

[39] કાંસાની વેદી, તેની કાંસાની બનાવેલી જાળી, તેના દાંડા, અને તેનાં બધાં સાધનો કૂડી અને તેની ધોડી,

[40] આંગણાની ભીંતો માંટેના પડદાઓ, અને તેને લટકાવવા માંટેની થાંભલીઓ અને કૂભીઓ, તેમજ આંગણાંના પ્રવેશદ્વાર માંટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ તથા મુલાકાતમંડપમાં સેવા માંટે વાપરવાનાં બધાં સાધનો.

[41] પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર દબદબાભર્યા વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.

[42] યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇસ્રાએલીઓએ પૂર્ણ કર્યું હતું.

[43] પછી મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાએ જણાવ્યા મુજબ બનાવ્યુ છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેમને આશીર્વાદ આપ્યા.

નિર્ગમન — Chapters