[1] તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે?
[2] સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.
[3] અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?
[4] ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, ‘તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’”
[5] પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું.
[6] ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે?
[7] પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?
[8] અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે.
[9] તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.
[10] જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
[11] સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
[12] તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
[13] તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
[14] તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
[15] તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
[16] તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
[17] શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
[18] તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
[19] હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.
[20] કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.
[21] પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે;
[22] એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી.
[23] કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;
[24] પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.
[25] ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે;
[26] એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
[27] તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી.
[28] માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.
[29] નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે;
[30] કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.
[31] ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.