[1] વળી આપણી બહેન ફેબી જે કેંખ્રિયામાંના વિશ્વાસી સમુદાયની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે,
[2] સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો; કેમ કે તે પોતે મને તથા ઘણાંને પણ સહાય કરનાર થઈ છે.
[3] ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો;
[4] તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે;
[5] વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને સારુ આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.
[6] મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.
[7] મારા સગાં તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ ખ્રિસ્તમાં આવ્યા હતા.
[8] પ્રભુમાં મારા વહાલાં આંપ્લિયાતસને સલામ કહેજો.
[9] ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલાં સ્તાખુસને સલામ કહેજો.
[10] ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો.
[11] મારા સગાં હેરોદિયાને સલામ કહેજો. નાકીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ છે તેઓને સલામ કહેજો.
[12] પ્રભુને નામે પરિશ્રમ કરનારી ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો, વહાલી પેર્સિસ જેણે પ્રભુના કામમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો.
[13] પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો.
[14] આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને અને તેઓની સાથે જે બીજા ભાઈઓ છે, તેઓને સલામ કહેજો.
[15] ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો.
[16] પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તનાં સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે.
[17] હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.
[18] કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠીમીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.
[19] પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું; અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાઓ.
[20] શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.
[21] મારો સાથી કામદાર તિમોથી અને મારા સગાં લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે.
[22] હું, તેર્તિયુસ પાઉલના આ પત્રનો લખનાર, પ્રભુમાં તમને સલામ લખું છું.
[23] મારા તથા સમગ્ર વિશ્વાસી સમુદાયના યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ ક્વાર્તસ તમને સલામ કહે છે.
[24] આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન.
[25] હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે,
[26] તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દૃઢ કરવાને જે શક્તિમાન છે.
[27] તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.