Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:51

[1] તેથી હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધાં છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમનાં વંશનો અને બિન્યામીનના કુળનો છું.

[2] પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજ્યા નથી; વળી એલિયા સંબંધી શાસ્ત્રવચનો શું કહે છે, એ તમે નથી જાણતા? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરે છે કે,

[3] ‘ઓ પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તારી યજ્ઞવેદીઓને ખોદી નાખી છે, હું એકલો જ બચ્યો છું અને તેઓ મારો જીવ લેવા માગે છે.’”

[4] પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? “જેઓ બઆલની આગળ ઘૂંટણે પડ્યા નથી એવા સાત હજાર પુરુષોને મેં મારે માટે રાખી મૂક્યા છે,”

[5] એમ જ વર્તમાન સમયમાં પણ કૃપાની પસંદગી પ્રમાણે બહુ થોડા લોકો રહેલા છે.

[6] પણ જો તે કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી, નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.

[7] એટલે શું? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નહિ; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું અને બાકીનાં હૃદયો ને કઠણ કરવામાં આવ્યાં છે;

[8] જેમ લખેલું છે તેમ કે, ‘ઈશ્વરે તેઓને આજદિન સુધી મંદબુદ્ધિનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો તથા સાંભળી ન શકે તેવા કાન આપ્યા છે.

[9] દાઉદ પણ કહે છે કે, ‘તેઓની મેજ તેઓને માટે જાળ, ફાંસો, ઠોકર તથા બદલો થાઓ.

[10] તેઓની આંખો અંધકારમય થાઓ કે જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.’”

[11] ત્યારે હું પૂછું છું કે, ‘શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય?’ ના, એવું ન થાઓ, પણ ઊલટું તેઓના પડવાથી બિનયહૂદીઓને ઉદ્ધાર મળ્યો છે, કે જેનાંથી ઇઝરાયલમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય.

[12] હવે જો તેઓનું પડવું માનવજગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિનયહૂદીઓને સંપત્તિરૂપ થયું છે, તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક સંપત્તિરૂપ થશે!

[13] હવે હું તમો બિનયહૂદીઓને કહું છું. હું મારું સેવાકાર્ય ખૂબ જ મહત્વનું માનું છું કારણ કે હું બિનયહૂદીઓનો પ્રેરિત છું.

[14] જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો યહૂદીઓ માં ઈર્ષ્યા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું.

[15] કેમ કે જો તેઓનો નકાર થવાથી માનવજગતનું ઈશ્વર સાથે સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?

[16] જો પ્રથમફળ પવિત્ર છે, તો આખો સમૂહ પણ પવિત્ર છે; અને જો મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે.

[17] પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી; અને તું જંગલી જૈતૂનની ડાળ હોવા છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતૂનનાં રસ ભરેલા મૂળનો સહભાગી થયો,

[18] તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે, તો મૂળને તારો આધાર નથી પણ તને મૂળનો આધાર છે.

[19] વળી તું કહેશે કે, ‘હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી.’”

[20] બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ.

[21] કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તેઓ તને પણ નહિ બચાવે.

[22] તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો; જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખતાઈ; પણ જો તું તેમની કૃપા ટકી રહે તો તારા ઉપર ઈશ્વરની કૃપા; નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે.

[23] પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ પણ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે.

[24] કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનનાં ઝાડમાં કુદરતથી વિરુદ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનનાં ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે?

[25] કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિવાન ન સમજો, માટે મારી ઇચ્છા નથી કે આ ભેદ વિષે તમે અજાણ રહો કે બિનયહૂદીઓની સંપૂર્ણતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે.

[26] અને પછી તમામ ઇઝરાયલ ઉદ્ધાર પામશે, જેમ લખેલું છે ‘સિયોનમાંથી ઉદ્ધાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે;

[27] હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે.

[28] સુવાર્તાનાં સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભેમાં તો પૂર્વજોને લીધે તેઓ તેમને વહાલા છે.

[29] કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.

[30] કેમ કે જેમ તમે અગાઉ ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાંકિતપણાને કારણથી તમે દયાપાત્ર બન્યા છો;

[31] એમ જ તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે, એ માટે કે, તમારા પર દર્શાવેલી દયાના કારણે, તેઓને પણ હમણાં દયાદાન મળે.

[32] કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યાં છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે.

[33] આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચુકાદો કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!

[34] કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો સલાહકાર કોણ થયો છે?

[35] અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે?

[36] કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર — Chapters