[1] યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદની દીકરીઓ મૂસા પાસે આવી. તેની દીકરીઓના નામ આ પ્રમાણે હતા: માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા.
[2] તેઓએ મૂસાની, એલાઝાર યાજકની, વડીલોની તથા આખી જમાતની આગળ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહીને કહ્યું,
[3] “અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.
[4] અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે.”
[5] માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો.
[6] અને યહોવાહે મૂસાને કહ્યું,
[7] “સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.
[8] ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.
[9] જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.
[10] જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ.
[11] અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’”
[12] યહોવાહે મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો.
[13] તે જોયા પછી તું પણ તારા ભાઈ હારુનની જેમ તારા લોકો સાથે ભળી જશે.
[14] કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે કાદેશમાં મરીબાહનાં પાણી મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો.
[15] પછી મૂસાએ યહોવાહની સાથે વાત કરીને કહ્યું,
[16] “યહોવાહ, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, તે લોકો પર એક માણસને નિયુક્ત કરે.
[17] કોઈ માણસ તેઓની આગળ બહાર જાય અને અંદર આવે, જે તેઓને બહાર ચલાવે અને અંદર લાવે, જેથી તમારા લોકો પાળક વગરનાં ઘેટાં જેવા ન રહે.”
[18] યહોવાહે મૂસાને કહ્યું, “નૂનનો દીકરો યહોશુઆ, જેનામાં મારો આત્મા રહે છે, તેના પર તારો હાથ મૂક.
[19] તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.
[20] તારો કેટલોક અધિકાર તેના પર મૂક, જેથી ઇઝરાયલી લોકોની આખી જમાત તેની આજ્ઞા પાળે.
[21] એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.
[22] યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. તેણે યહોશુઆને લઈને એલાઝાર યાજક તથા સમગ્ર જમાતની સમક્ષ રજૂ કર્યો.
[23] યહોવાહે જેમ કરવાનું કહ્યું હતું તેમ મૂસાએ તેનો હાથ તેના પર મૂકીને સોંપણી કરી.