Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:25

[1] યહોવાહ ફરીથી મૂસા તથા હારુનને કહ્યું કે,

[2] “ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે.

[3] યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.

[4] યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા.

[5] તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનએલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય.

[6] તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા.

[7] ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.

[8] તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ સતાવન હજાર પુરુષો હતા.

[9] યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાના સૈન્યો મુજબ એક લાખ છયાસી હજાર ચારસો પુરુષો હતા. તેઓ છાવણીમાંથી પ્રથમ ચાલી નીકળે.

[10] રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો મુજબ દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દીકરો અલીસૂર તે રુબેનના સૈન્યની આગેવાની કરે.

[11] રુબેનના સૈન્યમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

[12] તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે અને સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ તે શિમયોનના સૈન્યનો અધિપતિ થાય.

[13] શિમયોનના સૈન્યમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષો હતા.

[14] તે પછી ગાદનું કુળ. રેઉએલનો દીકરો એલિયાસાફ તે ગાદના સૈન્યનો આગેવાન થાય.

[15] ગાદના સૈન્યમાં પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષો હતા.

[16] રુબેનની છાવણી પાસે બધા સૈન્ય મળીને કુલ એક લાખ એકાવન હજાર ચારસો પચાસ પુરુષો છાવણી કરે. તેઓ છાવણીમાંથી બીજે ક્રમે કૂચ કરે.

[17] એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે.

[18] એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમ્મીહૂદનો દીકરો અલિશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય.

[19] એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

[20] તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય.

[21] મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.

[22] તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય.

[23] મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.

[24] એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે.

[25] દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.

[26] દાનના સૈન્યમાં બાસઠ હજાર સાતસો પુરુષો હતા.

[27] તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય.

[28] આશેરના સૈન્યમાં એકતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

[29] તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય.

[30] નફતાલીના સૈન્યમાં ત્રેપન હજાર ચારસો પુરુષો હતા.

[31] દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સતાવન હજાર છસો હતા. તેઓ પોતાની ધજા સાથે પાછળ ચાલી નીકળે.

[32] મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા.

[33] જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ.

[34] યહોવાહે મૂસાને જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે મુજબ ઇઝરાયલના લોકોએ કર્યું. તેઓએ પોતપોતાની ધજાઓ પાસે છાવણી કરી. અને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાનાં ઘર પ્રમાણે કૂચ આરંભી.

ગણના — Chapters