[1] હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું.
[2] ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
[3] યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો.
[4] તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.
[5] તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું;
[6] તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.
[7] બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાના યજ્ઞમાં ઘેંટાઓનું બલિદાન કરવાનું હતું.
[8] ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’”
[9] તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’”
[10] ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’”
[11] ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?
[12] તે પોતે તમને એક મોટી મેડી સુસજ્જ અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”
[13] તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.
[14] વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા.
[15] ઈસુએ તેઓને કહ્યું કે, ‘મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી.
[16] કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’”
[17] ઈસુએ પ્યાલો લઈને આભાર માની અને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો.
[18] કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”
[19] પછી ઈસુએ રોટલી લઈને આભાર માની અને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’”
[20] તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.
[21] પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
[22] માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’
[23] તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’”
[24] આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.
[25] ઈસુએ તેઓને કહ્યું કે, ‘વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.
[26] પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું.
[27] કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું.
[28] પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો.
[29] જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું;
[30] કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’”
[31] ‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા.
[32] પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’”
[33] તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’”
[34] પણ ઈસુએ કહ્યું કે, ‘પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, હું તને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.’”
[35] પછી તેણે તેઓને પૂછ્યું કે, ‘જયારે થેલી, ઝોળી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?’ તેઓએ કહ્યું કે, ‘કશાની નહિ.’”
[36] ત્યારે તેમણે તેઓને કહ્યું, ‘પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તલવાર ના હોય તે પોતાનું વસ્ત્ર વેચીને તલવાર ખરીદી રાખે.
[37] કેમ કે હું તમને કહું છું કે, ‘તે અપરાધીઓની સાથે ગણાયો’, એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.’”
[38] તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તલવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’”
[39] બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા.
[40] ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’”
[41] આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે,
[42] ‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”
[43] આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.
[44] તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
[45] પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા,
[46] ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’”
[47] તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.
[48] પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”
[49] જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’”
[50] તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.
[51] પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.
[52] જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો?
[53] હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’”
[54] તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.
[55] ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.
[56] એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’”
[57] પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’”
[58] થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”
[59] આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.”
[60] પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.
[61] પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”
[62] તે બહાર જઈને બહુ જ રડ્યો.
[63] ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો.
[64] તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’”
[65] તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.
[66] દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે,
[67] “જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી
[68] વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.
[69] પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.”
[70] લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.”
[71] અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”