Skip to content
Opens in a new window
Listen to this chapter • 9:56

[1] આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે,

[2] આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાંએ સ્વીકાર્યું છે;

[3] માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું,

[4] કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.

[5] યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના યાજક વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું.

[6] તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.

[7] તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.

[8] તે છતાં ઝખાર્યા પોતાના યાજક વર્ગના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો,

[9] એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યો.

[10] ધૂપ સળગાવતા સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.

[11] તે સમય દરમિયાન યજ્ઞવેદીની જમણી બાજુમાં જ્યાં ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો.

[12] સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી.

[13] સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.

[14] તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે;

[15] કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.

[16] તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવાહ તરફ ફેરવશે.

[17] તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.

[18] ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’”

[19] સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.’”

[20] એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.

[21] લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા.

[22] તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઇશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ.

[23] તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.

[24] તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે,

[25] ‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’”

[26] છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો.

[27] દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું.

[28] સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’

[29] પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!

[30] સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.

[31] જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે.

[32] તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.

[33] તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’”

[34] મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’”

[35] સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.

[36] જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.

[37] ‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’

[38] મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.

[39] તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.

[40] ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.

[41] એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.

[42] તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’

[43] એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?

[44] કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.

[45] જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.

[46] મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,

[47] અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.

[48] કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે.

[49] કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે.

[50] જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે.

[51] તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.

[52] તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે.

[53] તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે.

[54] આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર

[55] સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’”

[56] મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.

[57] હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.

[58] તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે આનંદ કર્યો.

[59] આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;

[60] પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’”

[61] તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’”

[62] તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’”

[63] તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’”

[64] તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.

[65] તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી.

[66] જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.

[67] તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે,

[68] ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.

[69] જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે,

[70] તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે,

[71] એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;

[72] એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,

[73] એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;

[74] એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ

[75] પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.

[76] અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે,

[77] તથા તેમના લોકોને પાપની માફી મળવા માટે તેઓને ઉદ્ધારનું જ્ઞાન આપશે.

[78] અને આપણી માફી એ માટે થયું કેમ કે આપણા ઈશ્વરની ઘણી દયા સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઊગતાં સૂર્ય સમાન આપણી પાસે આવે છે,

[79] એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.

[80] પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાનાં દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.

લૂકની લખેલી સુવાર્તા — Chapters