Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:00

[1] તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે.

[2] કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી.

[3] બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.

[4] યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,

[5] પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.

[6] તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા.

[7] અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને વસ્ત્રમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.

[8] તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા.

[9] પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણાં ભયભીત થયા.

[10] સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે ‘બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે;

[11] કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે.

[12] તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને વસ્ત્રમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.’”

[13] પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે,

[14] ‘સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.’”

[15] જયારે સ્વર્ગદૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, ‘ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.’”

[16] તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા.

[17] તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી.

[18] જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા,

[19] પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી.

[20] ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.

[21] આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું.

[22] મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા,

[23] ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને,

[24] તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યાં પ્રમાણે એક જોડ હોલાને અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન કરવા સારુ, તેને યરુશાલેમમાં લાવ્યાં.

[25] ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો.

[26] પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’”

[27] તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા.

[28] ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે,

[29] ‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો;

[30] કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે,

[31] જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે;

[32] તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”

[33] તેમના બાળક સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા.

[34] શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે, ‘જો, આ બાળક ઇઝરાયલમાંનાં ઘણાંનાં પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે.

[35] હા, તારા પોતાના જીવને તલવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.’”

[36] આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી.

[37] તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી.

[38] તેણે તે જ ઘડીએ ત્યાં આવીને ઈશ્વરની સ્તુતિ કરી, અને જેઓ યરુશાલેમના ઉદ્ધારની રાહ જોતાં હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી.

[39] તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી ગાલીલમાં પોતાના શહેર નાસરેથમાં પાછા ગયા.

[40] ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.

[41] તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં.

[42] જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયા.

[43] પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ.

[44] પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા.

[45] ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછા ગયા.

[46] ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા.

[47] જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા.

[48] તેમને જોઈને તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા; અને તેમની માએ તેમને કહ્યું કે, ‘દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!’

[49] ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’”

[50] જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.

[51] ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.

[52] ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.

લૂકની લખેલી સુવાર્તા — Chapters