[1] આ પ્રકરણ આદમના પરિવારનો આ ઇતિહાસ છે. દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં જ બનાવ્યો.
[2] દેવે એક પુરુષ અને એક સ્ત્રીને બનાવ્યાં. જે દિવસે દેવે એમને બનાવ્યા ત્યારે તેઓને આશીર્વાદ આપ્યા અને એમનું નામ આદમ રાખ્યું.
[3] જયારે આદમ 130 વર્ષનો થયો, ત્યારે તે એક બીજા બાળકનો પિતા બન્યો. તે પુત્ર બરાબર આદમ જેવો જ દેખાતો હતો. આદમે તે પુત્રનું નામ શેથ પાડયું.
[4] શેથના જન્મ પછી આદમ 800 વર્ષ સુધી જીવ્યો. તે સમય દરમ્યાન તેને બીજા પુત્ર અને પુત્રીઓ થયાં.
[5] આમ, આદમ એકંદરે 930 વર્ષ જીવ્યો, અને પછી મૃત્યુ પામ્યો.
[6] જયારે શેથ 105 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં અનોશનો જન્મ થયો.
[7] અનોશના જન્મ પછી શેથ 807 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.
[8] આમ, શેથનું એકંદરે આયુષ્ય 912 વર્ષનું હતું. પછી તેનું મરણ થયું.
[9] અનોશ જયારે 90 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં કેનાન જન્મ્યો.
[10] કેનાનના જન્મ પછી અનોશ 815 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
[11] આમ, અનોશનું એકંદરે આયુષ્ય 905 વર્ષનું હતું. પછી તેનું મરણ થયું.
[12] જયારે કેનાન 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં માંહલાલએલ જન્મ્યો.
[13] માંહલાલએલના જન્મ પછી કેનાન 840 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
[14] આમ, કેનાનનું કુલ આયુષ્ય 910 વર્ષનું હતું ત્યારબાદ તેનું મરણ થયું.
[15] જયારે માંહલાલએેલ 65 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં યારેદનો જન્મ થયો.
[16] યારેદના જન્મ પછી માંહલાલએલ 830 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
[17] આમ, માંહલાલએલનું કુલ આયુષ્ય 895 વર્ષનું હતું. ત્યારબાદ તેનું મરણ થયું.
[18] જયારે યારેદ 162 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં એક હનોખ નામનો બાળક જન્મ્યો.
[19] હનોખના જન્મ પછી યારેદ 800 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
[20] આમ, યારેદ કુલ 962 વર્ષ જીવ્યો અને પછી મરણ પામ્યો.
[21] જયારે હનોખ 65 વર્ષનો થયો ત્યારે તેને ત્યાં મથૂશેલાહનો જન્મ થયો.
[22] મથૂશેલાહના જન્મ પછી 300 વર્ષ સુધી “હનોખ” દેવની સાથે સાથે ચાલ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં.
[23] આમ, હનોખ કુલ 365 વર્ષ જીવ્યો.
[24] એક દિવસ હનોખ દેવની સાથે ચાલી રહ્યો હતો, ત્યારે તે એકદમ અદ્રશ્ય થઈ ગયો; કેમ કે, દેવે તેને લઇ લીધો.
[25] જયારે મથૂશેલાહ 187 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં લામેખનો જન્મ થયો.
[26] લામેખના જન્મ પછી મથૂશેલાહ 782 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં.
[27] આમ, મથૂશેલાહ કુલ 969 વર્ષ જીવ્યા પછી મરણ પામ્યો.
[28] જયારે લામેખ 182 વર્ષનો થયો, ત્યારે તે એક પુત્રનો પિતા બન્યો.
[29] લામેખના પુત્રનું નામ નૂહ રાખ્યું. લામેખે કહ્યું, “અમે ખેડૂત લોકો ઘણી સખત મહેનત કરીએ છીએ કારણ કે દેવે ભૂમિને શ્રાપ આપ્યો છે. પરંતુ નૂહ અમને લોકોને મહેનતમાંથી દિલાસો આપશે.”
[30] નૂહના જન્મ પછી લામેખ 595 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં.
[31] આમ, લામેખનું કુલ આયુષ્ય 777 વર્ષનું હતું; ત્યાર પછી તેનું મરણ થયું.
[32] જ્યારે નૂહ 500 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં શેમ, હામ અને યાફેથનો જન્મ થયો.