[1] પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે;
[2] જન્મ લેવાનો સમય, મૃત્યુ પામવાનો સમય, છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાંખવાનો સમય;
[3] મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;
[4] રડવાનો સમય અને હસવાનો સમય; શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;
[5] પત્થરો ફેંકી દેવાનો સમય અને પત્થરો એકઠાં કરવાનો સમય; આલિંગન કરવાનો સમય; તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;
[6] શોધવાનો સમય; ગુમાવવાનો સમય; રાખવાનો સમય; ફેંકી દેવાનો સમય;
[7] ફાડવાનો સમય; સીવવા કરવાનો સમય; શાંત રહેવાનો સમય; બોલવાનો સમય;
[8] પ્રેમ કરવાનો સમય; ધિક્કારવાનો સમય; યુદ્ધનો સમય સલાહ શાંતિનો સમય.
[9] આટલો બધો સખત પરિશ્રમ કરવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે?
[10] દેવે જે ધંધો મનુષ્યોને તેઓને કાર્યરત રાખવા આપ્યો છે તે મેં જોયો છે.
[11] યહોવાએ પ્રત્યેક વસ્તુ ને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે.જો કે દેવે મનુષ્યનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી અંત સુધીનાં દેવનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.
[12] હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવું ને ભલું કરવું, તે કરતાં તેના માટે બીજું કંઇ શ્રેષ્ઠ નથી.
[13] તેણે ખાવું, પીવું અને પરિશ્રમથી જે સિદ્ધ કર્યુ છે તેનાથી સંતોષ અનુભવવો, કારણ કે આ દેવ તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.
[14] મને ખબર છે કે દેવ જે કંઈ કરે છે તે ભવિષ્યમાં સદાને માટે રહેશે; તેમાં કશો વધારો કે ઘટાડો કરી શકાય નહિ, આમા દેવનો મુખ્ય હેતુ એ છે કે માણસ દેવનો ડર રાખે.
[15] જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને દેવ પાછું શોધી કાઢે છે.
[16] વળી મેં આ દુનિયામાં જોયું કે સદાચારની જગાએ અનિષ્ટ હતું; અને ન્યાયની જગ્યાએ અનિષ્ટ હતું.
[17] મેં મારી જાતને કહ્યું કે, “યહોવા ન્યાયીનો અને દુષ્ટનો ન્યાય કરશે, કારણ કે પ્રત્યેક પ્રવૃતિ માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે.”
[18] પછીં મે મારા મનમાં વિચાર્યુ કે, “યહોવા મનુષ્યની કસોટી કરે છે. જેથી તેઓ જાણે કે તેઓ પશુ સમાન છે. અને પશુઓથી વધારે સારા નથી.
[19] કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા!
[20] એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે.
[21] મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે?”
[22] તેથી મેં જાણ્યુ કે, માણસ પોતાના કામમાં આનંદ માણે, તેથી વધારે સારું કાંઇ નથી. એ જ તેનો ભાગ છે; ભવિષ્યમાં શું બનવાનું છે તે તેને કોઇ દેખાડી શકે તેમ નથી.