[1] યરૂશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
[2] જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે.
[3] મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું?
[4] એક પેઢી જાય છે, અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે. એનાથી કોઇ ફેર પડતો નથી.
[5] સૂર્યોદય થાય છે, અને સૂર્યાસ્ત પણ થાય છે અને ફરી તે ઊગવા માટે સત્વરે ઊગવાની જગાએ જાય છે.
[6] પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ વળે છે આમ તે મૂળ માર્ગ ઉપર પાછો ફરે છે અને પોતાની ગતિમાં આમથી તેમ ફર્યા કરે છે.
[7] સર્વ નદીઓ વહેતી જઇને સમુદ્રમાં મળે છે તો પણ સમુદ્ર ભરાઇ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.
[8] બધી જ વસ્તુઓ કંટાળાજનક છે; તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને કાન પૂરેપૂરું સાંભળતા નથી.
[9] ઇતિહાસનું કેવળ પુનરાવર્તન થાય છે, જે થઇ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; ખરેખર દુનિયા પર કશું જ નવું નથી.
[10] એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે.
[11] ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ વિષે તેના પછી આવનારી પેઢીને પણ તેનું સ્મરણ નહિ હોય.
[12] હું સભાશિક્ષક, યરૂશાલેમમાં રહેનાર ઇસ્રાએલનો રાજા હતો.
[13] વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે.
[14] પણ દુનિયા પર લોકો જે કરે છે તે સર્વ બાબતો મેં જોઇ છે. એ સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાની કોશિષ કરવા જેવું છે.
[15] જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી; અને જે કાંઇ અનુપસ્થિત છે તે લક્ષમાં લઇ શકાતું નથી.
[16] મેં મારી જાતને કહ્યું કે, “જુઓ, યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયેલા અન્ય રાજાઓ કરતાં વધારે જ્ઞાની છું. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ખૂબ અનુભવ મળ્યો છે.”
[17] પછીં મેં જ્ઞાન તથા ગાંડપણ અને મૂર્ખતા સમજવા માટે સંપૂર્ણ રીતે પ્રયત્નો કર્યાં પણ ત્યારે મને સમજાયું કે આ પણ પવનને પકડવા જેવું હતું.
[18] કારણ કે અધિક જ્ઞાનથી આપત્તિમાં અધિક વૃદ્ધિ થાય છે. અને વિદ્યા-ડહાપણ વધે તેમ શોક વધે છે, દુ:ખ પણ વધે છે.