[1] તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને.
[2] કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
[3] કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.
[4] પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,
[5] ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા.
[6] પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે;
[7] જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.
[8] આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે.
[9] પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે.
[10] એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસને દૂર કર;
[11] એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી દૂર થયો છે અને પોતાને અપરાધી ઠરાવતાં પાપ કરે છે.
[12] જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.
[13] ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહિ.
[14] વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ.
[15] મારી સાથેના સઘળાં તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.