[1] સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તિતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,
[2] અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું.
[3] નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.
[4] ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.
[5] જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.
[6] જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
[7] કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.
[8] પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી
[9] અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.
[10] કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે.
[11] તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે.
[12] તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, ‘ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.’”
[13] આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે,
[14] તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.
[15] શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
[16] અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.