[1] જો કોઈનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય અને જો તે જાનવર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવાહ પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે.
[2] તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે. પછી યાજકો, એટલે હારુનના પુત્રો તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટે.
[3] તે શાંત્યર્પણના યજ્ઞમાંથી યહોવાહ પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડાં પરની બધી ચરબી,
[4] બન્ને મૂત્રપિંડ તથા તે પરની ચરબી જાંઘો પાસે હોય છે તે તથા મૂત્રપિંડ સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે.
[5] હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પર લાકડા ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
[6] જો કોઈ માણસ શાંત્યર્પણ તરીકે ઘેટાંબકરાંને યહોવાહ સમક્ષ લાવે, પછી તે નર હોય કે નારી હોય, તો તે શાંત્યર્પણ ખોડખાંપણ વગરનું ચઢાવે.
[7] જો તે હલવાનનું અર્પણ ચઢાવે, તો તે તેને યહોવાહની આગળ ચઢાવે.
[8] તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
[9] શાંત્યર્પણના યજ્ઞમાંથી તે યહોવાહને સારુ હોમયજ્ઞ ચઢાવે. તેની ચરબી, તેની પુષ્ટ પૂછડી આખી અને આખી કરોડના હાડકાની લગોલગથી તે કાપી લે અને આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી,
[10] બન્ને મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને મૂત્રપિંડ સાથે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.
[11] અને યાજક વેદી પર તેનું દહન કરે; તે યહોવાહને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.
[12] જો માણસનું અર્પણ બકરાનું હોય, તો તે યહોવાહની આગળ ચઢાવે.
[13] તે બકરાના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
[14] તે માણસ અગ્નિથી પોતાનું અર્પણ યહોવાહને માટે ચઢાવે. તે આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી કાઢી લે.
[15] બન્ને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, મૂત્રપિંડો પાસે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.
[16] આ તમામનું યાજકે શાંત્યર્પણ તરીકે દહન કરવું, તે સુવાસને સારુ હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાહની છે.
[17] તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે ચરબી કે રક્ત તમારે ખાવાં જ નહિ.’”