Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:15

[1] યહોવાહે મૂસાને કહ્યું,

[2] “ઇઝરાયલના લોકોને કહે કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું.

[3] મિસર દેશ જેમાં તમે અગાઉ રહેતા હતા, તે લોકોનું અનુકરણ તમે ન કરો. અને કનાન દેશ કે જેમાં હું તમને લઈ જાઉં છું, તે દેશના લોકોનું અનુકરણ તમે ન કરો. તેઓના રીતરિવાજો ન પાળો.

[4] તમારે ફક્ત મારા જ વિધિઓ પાળવા, તમારે તેનો સંપૂર્ણ રીતે અમલ કરવો અને તે અનુસાર ચાલવું કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.

[5] માટે તમારે મારા વિધિઓ અને નિયમો પાળવા. જો કોઈ માણસ તેનું પાલન કરશે તો તે વડે તે જીવશે. હું યહોવાહ છું.

[6] તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું.

[7] તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ.

[8] તારા પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે શારીરિક સંબંધ ન કર; તે તારા પિતાના અપમાન જેવું છે.

[9] તારી બહેનોમાંની કોઈની સાથે શારીરિક સંબંધ ન કર. તે તમારા પિતાની પુત્રી હોય કે માતાની પુત્રી હોય; પછી તે ઘરમાં જન્મેલી હોય કે તારાથી દૂર બહાર જન્મેલી હોય. તારે તારી બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો નહિ.

[10] તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.

[11] તારે તારા પિતાની પત્નીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તે તારી બહેન છે અને તારે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવો.

[12] તારે તારા પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારા પિતાની તે નજીકની સગી છે.

[13] તારે તારી માતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારી માતાની તે નજીકની સગી છે.

[14] તારે તારા પિતાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. કે એવા ઇરાદા સાથે તેની નજીક ન જવું. કેમ કે તે તારી કાકી છે.

[15] તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.

[16] તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું.

[17] કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.

[18] તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.

[19] સ્ત્રીના માસિકસ્રાવ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. કેમ કે એ સમયમાં તે અશુદ્ધ છે.

[20] તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી.

[21] તારે તારા કોઈ બાળકને અગ્નિમાં ચલાવીને મોલેખને ચઢાવવા ન આપ. આ રીતે તારા ઈશ્વરનો અનાદર ન કરવો. હું યહોવાહ છું.

[22] સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે.

[23] તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.

[24] આમાંની કોઈ પણ રીતે તારે તારી જાતને અશુદ્ધ ન કરવી. હું જે દેશજાતિઓને તમારી સામેથી હાંકી કાઢવાનો છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ છે.

[25] એ આખો દેશ અશુદ્ધ થયો છે. તેથી હું તેઓના પર તેઓના પાપની સજા કરું છું અને એ દેશ ત્યાંના રહેવાસીઓને ઓકી કાઢે છે.

[26] તમારે મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવું. તમારે આ બધામાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇઝરાયલ પ્રજાનાં વતની હોય કે પરદેશથી આવીને વસ્યા હોય.

[27] કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે.

[28] એ માટે સાવચેત રહો, કે જેથી દેશને અશુદ્ધ કર્યાથી જેમ તમારી અગાઉની દેશજાતિને તેણે ઓકી કાઢી તેમ તમને પણ તે ઓકી કાઢે.

[29] જે કોઈ એમાંનું કોઈપણ ઘૃણાજનક કાર્ય કરશે તેને પોતાના લોકોમાંથી અલગ કરવામાં આવશે.

[30] માટે તમે મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા અગાઉના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમારી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.’”

લેવી — Chapters