[1] એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો.
[2] જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નીમનાર ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા.
[3] કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માનયોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે.
[4] કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.
[5] મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા.
[6] પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.
[7] એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો,
[8] તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
[9] ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં.
[10] એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, “તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યાં નહિ.
[11] માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”
[12] હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય.
[13] પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહિ.
[14] કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તનાં ભાગીદાર થયા છીએ.
[15] કેમ કે એમ કહ્યું છે કે, ‘આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
[16] કેમ કે તે વાણી સાંભળ્યાં છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું મૂસાની આગેવાનીમાં મિસરમાંથી જેઓ બહાર નીકળ્યા તે બધાએ નહિ?
[17] વળી ચાળીસ વરસ સુધી તે કોનાં પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓનાં મૃતદેહ અરણ્યમાં પડ્યા રહ્યાં?
[18] જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?’
[19] આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં.