Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:50

[1] ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો.

[2] પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.

[3] બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.

[4] લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

[5] દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’”

[6] તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?

[7] જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો.

[8] ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.

[9] તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી.

[10] આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી.

[11] કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે.

[12] એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું.

[13] તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ.

[14] કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.

[15] માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.

[16] ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.

[17] તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે.

[18] તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.

[19] તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.

[20] હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં,

[21] તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

[22] ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે.

[23] તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.

[24] તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.

[25] તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.

હિબ્રૂઓને પત્ર — Chapters