[1] આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સેનાઓનું સર્જન પૂર્ણ થયું.
[2] ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.
[3] ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.
[4] આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે યહોવાહ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં,
[5] ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે યહોવાહ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું.
[6] પણ પૃથ્વી પર ઝરણું પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.
[7] યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું.
[8] યહોવાહ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.
[9] યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.
[10] વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ.
[11] પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહ આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું મળે છે.
[12] તે દેશનું સોનું સારું છે. ત્યાં મૂલ્યવાન મોતી તથા અકીક પાષાણ પણ છે.
[13] બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે.
[14] ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ છે. તેનો પ્રવાહ આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ ફ્રાત છે.
[15] યહોવાહ ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો.
[16] યહોવાહ ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
[17] પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
[18] પછી યહોવાહ ઈશ્વરે કહ્યું કે, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.”
[19] યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
[20] તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશના પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.
[21] યહોવાહ ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.
[22] યહોવાહ ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા.
[23] તે માણસ બોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે ‘નારી’ કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”
[24] તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.
[25] તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.