[1] હવે આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી વપરાતી હતી.
[2] તેઓ પૂર્વ તરફ ગયા, તેઓએ શિનઆર દેશમાં એક સપાટ જગ્યા શોધી ત્યાં તેઓ રહ્યા.
[3] તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ.” પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.
[4] તેઓએ કહ્યું, “આપણે એક શહેર બનાવીએ જેનો બુરજ આકાશો સુધી પહોંચે. એનાથી આપણે આપણું નામ પ્રતિષ્ઠિત કરીએ અને આપણે પૃથ્વી પર વિખેરાઈ જઈએ નહિ.”
[5] તેથી આદમના વંશજો જે નગરનો બુરજ બાંધતા હતા તે જોવાને ઈશ્વર નીચે ઊતર્યા.
[6] ઈશ્વરે કહ્યું, “જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ.
[7] આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ.”
[8] તેથી ઈશ્વરે તેઓને ત્યાંથી આખી પૃથ્વીની સપાટી પર વિખેરી નાખ્યા અને તેઓ નગરનો બુરજ બાંધી શક્યા નહિ.
[9] તેથી તે નગરને બાબિલ એટલે ગૂંચવણ કહેવામાં આવે છે. કેમ કે ઈશ્વરે પૃથ્વી પરની ભાષામાં ગૂંચવણ કરી અને ઈશ્વરે તેઓને ત્યાંથી પૃથ્વી પર ચોતરફ વિખેરી નાખ્યા.
[10] શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ સો વર્ષનો હતો અને જળપ્રલયના બે વર્ષ પછી તેના પુત્ર આર્પાકશાદનો જન્મ થયો.
[11] આર્પાકશાદના જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો. તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
[12] જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો.
[13] શેલાના જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પણ પિતા થયો.
[14] જયારે શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર એબેરનો જન્મ થયો.
[15] એબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
[16] એબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર પેલેગનો જન્મ થયો.
[17] પેલેગનો પિતા થયા પછી એબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
[18] પેલેગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર રેઉનો જન્મ થયો.
[19] રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
[20] રેઉ બત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર સરૂગનો જન્મ થયો.
[21] સરૂગનો જન્મ થયા પછી રેઉ બસો સાત વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
[22] સરૂગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર નાહોરનો જન્મ થયો.
[23] નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
[24] નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો.
[25] તેરાહનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
[26] તેરાહ સિત્તેર વર્ષનો થયા પછી તેના પુત્ર ઇબ્રામ, નાહોર તથા હારાનના જન્મ થયા.
[27] હવે તેરાહની વંશાવળી આ છે. તેરાના પુત્રો ઇબ્રામ, નાહોર તથા હારાન હતા. હારાને લોતને જન્મ આપ્યો.
[28] હારાન તેના પિતા તેરાહની હાજરીમાં, તેના જન્મના દેશમાં, ખાલદીઓના ઉરમાં મૃત્યુ પામ્યો.
[29] ઇબ્રામે તથા નાહોરે લગ્ન કર્યાં. ઇબ્રામની પત્નીનું નામ સારાય અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. તે હારાનની દીકરી હતી, મિલ્કા તથા યિસ્કા હારાનના સંતાનો હતા.
[30] હવે સારાય નિ:સંતાન હતી; તેને કોઈ સંતાન નહોતું.
[31] તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ લઈને ઉર જે ખાલદીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં.
[32] તેરાહ બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.