Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:37

[1] વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને;

[2] જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ.

[3] જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર.

[4] વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે.

[5] તદુપરાંત ખરેખર વિધવા એ છે જે ત્યજી દેવાયેલ છે અને જેની આશા ઈશ્વરમાં છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.

[6] પણ જે સ્ત્રી સ્વછંદીપણામાં જીવે છે તે જીવતાજીવ મૂએલી છે.

[7] આ વાતો આગ્રહથી તેઓને જણાવ કે તેઓ ઠપકાપાત્ર ન બને.

[8] પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે.

[9] જો સાંઠ વર્ષની ઉપરની, પુનર્લગ્ન કર્યું હોય નહિ એવી,

[10] સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે.

[11] પણ જુવાન વિધવાઓને નામંજૂર કર, જયારે તેઓ ખ્રિસ્તની વિરુદ્ધ વિષયવાસનાઓથી ઉન્મત્ત થઈને પરણવા ચાહે.

[12] તેઓ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને ન્યાયશાસનને નોતરે છે.

[13] તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે.

[14] માટે હું ઇચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર સંભાળે અને શત્રુને ઠપકો આપવાની તક ના આપે.

[15] કેમ કે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનની પાછળ ભટકી ગઈ છે.

[16] જો વિધવાઓ કોઈ વિશ્વાસી સ્ત્રી પર આધારિત હોય, તો તે તેઓનું પૂરું કરે, અને મંડળી પર તેમનો ભાર નાખે નહિ કે જેથી જે વિધવાઓ ખરેખર નિરાધાર છે તેઓની મદદ મંડળી કરે.

[17] જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ કરે છે, તેઓને બમણાં સન્માનિત ગણવા.

[18] કેમ કે શાસ્ત્રવચન કહે છે કે, ‘કણસલાં ખૂંદનાર બળદના મોં પર જાળી ન બાંધ’ અને ‘કામ કરનાર પોતાના મહેનતણાને પાત્ર છે’.

[19] બે કે ત્રણ સાક્ષીઓ વગર વડીલ પરનો આરોપ સ્વીકારીશ નહિ.

[20] પાપ કરનારાઓને સઘળાંની આગળ ઠપકો, કે જેથી બીજાઓને પણ ભય રહે.

[21] ઈશ્વર, ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા સ્વર્ગદૂતોની સમક્ષ ગંભીરતાપૂર્વક હું પ્રમાણિત કરું છું કે, આ બાબતોને પૂર્વગ્રહ વિના, પક્ષપાતથી દુર રહીને કર.

[22] કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. બીજાઓનાં પાપમાં ભાગીદાર થઈશ નહિ; પણ પોતાને શુદ્ધ રાખ.

[23] હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને લીધે તથા તારી વારંવારની બિમારીઓને લીધે, થોડો દ્રાક્ષાસવ પણ પીજે.

[24] કેટલાક મનુષ્યોનાં પાપ જાહેર હોવાથી તેમનો ન્યાય પહેલાં થાય છે પણ કેટલાકનાં પછીથી જાહેર થાય છે.

[25] તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ જગજાહેર છે, તેની સામે જે જાહેર નથી તે પણ ગુપ્ત રહી શકતા નથી.

તિમોથીને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર — Chapters