Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:25

[1] પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,

[2] અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.

[3] તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.

[4] ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ

[5] કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.

[6] આ બાબતો, ભાઈઓ સમક્ષ રજૂ કરીને તું વિશ્વાસના વચનોમાં અને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવ્યો છે તેનાથી પોષિત થતો ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ.

[7] પણ દુન્યવી અને મૂર્ખ દંતકથાઓથી દૂર રહી, તું પોતાને ઈશ્વરપરાયણતા માટે તાલીમ આપ;

[8] કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.

[9] આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.

[10] તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.

[11] આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.

[12] તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.

[13] હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.

[14] જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ.

[15] એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.

[16] પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.

તિમોથીને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર — Chapters