Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:10

[1] હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી.

[2] કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે.

[3] કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.

[4] પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.

[5] તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.

[6] એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.

[7] કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.

[8] પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.

[9] કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે;

[10] ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ.

[11] માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો.

[12] પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો;

[13] અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો.

[14] વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.

[15] સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.

[16] સદા આનંદ કરો;

[17] નિરંતર પ્રાર્થના કરો;

[18] દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.

[19] આત્માને હોલવશો નહિ,

[20] પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.

[21] પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.

[22] દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

[23] શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.

[24] જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.

[25] ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.

[26] પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.

[27] હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.

[28] આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.

થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર — Chapters