Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:52

[1] તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુમાં નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો.

[2] કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.

[3] કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો;

[4] તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ,

[5] પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.

[6] તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.

[7] કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે.

[8] એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.

[9] પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે.

[10] આખા મકદોનિયાના સઘળા ભાઈઓ પર તમે એ પ્રમાણે પ્રેમ રાખો છો; પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજી પણ વધારે પ્રેમ રાખો;

[11] અને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, લક્ષ્ય રાખો;

[12] જેથી બહારના લોકોની આગળ તમે સારી વર્તણૂક રાખો અને તમને કશાની અગત્ય રહે નહિ.

[13] પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ.

[14] જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.

[15] કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાની સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.

[16] કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે.

[17] પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.

[18] તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.

થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર — Chapters