[1] ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા.
[2] ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.”
[3] પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?”
[4] ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે.
[5] ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.
[6] પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે.
[7] રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે.
[8] પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.
[9] “આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે.
[10] આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે.
[11] અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે.
[12] અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે.
[13] પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે.
[14] દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.
[15] “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને’ તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે)
[16] “ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે.
[17] જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ.
[18] જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.
[19] “એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે.
[20] પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે.
[21] એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.
[22] “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.
[23] “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ.
[24] કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે.
[25] જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.
[26] “તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ.
[27] જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે.
[28] જ્યાં મડદાં હશે, ત્યાં ગીધો ભેગાં થશે.
[29] “એ દિવસોમાં જ્યારે વિપત્તિ દૂર થશે કે તરત જ: ‘સૂરજ અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ. અને તારાઓ આકાશમાંથી ખરી પડશે. આકાશમાં બધુંજ ઘ્રુંજી ઊઠશે.’
[30] “એ સમયે, માણસના દીકરાના આવવાના સંકેત આકાશમાં જોવા મળશે, તે વખતે પૃથ્વી પરના બધાજ લોકો વિલાપ કરશે અને માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમાસહિત આકાશના વાદળોમાં આવતો જોશે.
[31] માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે. દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે.
[32] “અંજીર પરથી બોધપાઠ લો, જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે.
[33] તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા જ બનાવો બનતા જુઓ, ત્યારે જાણી લેવું કે એ સમય નજીક આવી રહ્યો છે અને આવવાની તૈયારી છે.
[34] હું તમને સત્ય કહું છું કે આ પેઢીનાં લોકોના જીવતાં જ આ બધી જ ઘટના બનશે.
[35] આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!
[36] “પણ એ દિવસ અને કલાક વિષે કોઈ જાણતું નથી. આકાશના દૂતો કે દીકરો કોઈ જાણતું નથી. ફક્ત તે બાપ જ જાણે છે.
[37] “નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે.
[38] જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું.
[39] જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે.
[40] એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે.
[41] આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે.
[42] “એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી.
[43] યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત.
[44] એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે.
[45] “ધણી પોતાના ઘરના સર્વને નિયત સમયે ખાવાનું આપવા જેને પોતાના ઘરના સેવકો પર અધિકારી નીમે છે એવો શાણો અને વિશ્વાસુ સેવક કોણ છે?
[46] ધણી જ્યારે આવે ત્યારે જે સેવક આ કામ કરતો દેખાશે તે માણસ સુખી થશે.
[47] હું તમને સત્ય કહું છું. એવા વફાદાર માણસને ધણી પોતાની તમામ મિલ્કતનો કારભારી બનાવશે.
[48] “પણ જો નોકર દુષ્ટ હશે અને વિચારશે કે મારા ધણી તરત જ પાછા નથી આવવાના.
[49] પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે.
[50] પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય.
[51] એનો સ્વામી એને ખરાબ રીતે સજા કરશે અને ઢોંગીઓ વચ્ચે તેનું સ્થાન નિશ્ર્ચિત કરશે. જ્યાં લોકો રૂદન કરતાં હશે. દુ:ખની પીડાથી દાંત પીસતાં થશે.