Skip to content
Opens in a new window

[1] હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર; ને અપમાન પર નજર કર.

[2] દેશ વિદેશીઓના હાથમાં ગયો છે, અમારા ઘરબાર પારકાઓના કબજામાં ગયા છે.

[3] અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ, ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે.

[4] પીવાના પાણીના પૈસા આપવા પડે છે. અને લાકડાં પણ વેચાતાં લેવા પડે છે.

[5] અમારી ડોક પર ઝૂંસરી મૂકી અમને પશુની જેમ હાંકવામાં આવે છે. અમે હવે અનહદ થાકી ગાય છીએ; અમને વિશ્રામ મળતો નથી.

[6] અમારે પેટ ભરીને રોટલો મેળવવા માટે મિસર અને આશ્શૂર સામે હાથ જોડવા પડ્યા.

[7] પાપ કરનારા અમારા પિતૃઓ રહ્યા નથી. અમારે તેમના પાપની સજા ભોગવવી પડે છે.

[8] શાસન કરે છે ગુલામો અમારા પર. તેમના હાથમાંથી અમને છોડાવનાર કોઇ નથી.

[9] જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે; વગડામાં તરવારનું જોખમ છે.

[10] દુકાળની ભડભડતી અગનજાળથી અમારી ચામડી ભઠ્ઠી જેવી તપી ગઇ છે.

[11] અમારી સ્ત્રીઓનો સિયોનમાં બળાત્કાર થાય છે, અને કુમારીકાઓનો યહૂદાના નગરોમાં.

[12] અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે, અને વડીલોને કોઇ માન આપતું નથી.

[13] જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે. અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.

[14] વડીલો હવે ચોરે બેસતા નથી. જુવાનિયાઓએ ગાવાનું છોડી દીધું છે

[15] અમારા અંતરનો આનંદ મરી પરવાર્યો છે. અમારાં નૃત્યો આક્રંદમાં પરિણમ્યા છે.

[16] અમારે માથેથી મુગટ પડી ગયો છે, દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.

[17] આને કારણે અમારા હૃદય બીમાર થઇ ગયા છે, અને આને લીધે અમારી આંખોએ અંધારા આવી ગયા છે.

[18] કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે એ જગ્યા, જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.

[19] પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે.

[20] તું શા કારણે અમને ભૂલી જાય છે? તેં શા માટે આટલા બધા દિવસ સુધી અમારો ત્યાગ કર્યો છે?

[21] અમને પાછા લઇ લે, હે યહોવા! ત્યારે અમે ફરીથી તારા થઇ જઇશું. અમને નવું જીવન આપ જેવું તેં ઘણા વર્ષ પહેલા કર્યું હતું.

[22] પણ તેં અમને સંપૂર્ણ નકાર્યા છે; તું અમારા પર બહુ કોપાપમાન થયો છે.

યર્મિયાનો વિલાપ — Chapters