Skip to content
Opens in a new window

[1] મારું માથું જળાશય હોય તો કેવું સારું! મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું; મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!

[2] અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં અને તેઓને વીસરી જાઉં અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને, તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં! એ બધા બેવફા લોકો છે, દગાબાજોની ટોળકી છે.

[3] યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે. તેઓ સત્યની પરવા કરતા નથી અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે; તેઓ મારી પણ પરવા કરતા નથી.”

[4] “પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો, ભાઇનો પણ વિશ્વાસ ન કરતા, કારણ, એકેએક ભાઇ યાકૂબ જેવો દગાબાજ છે.

[5] અને એકેએક મિત્ર પોતાના મિત્રની નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે. દરેક જણ પોતાના મિત્રને છેતરે છે, કોઇ સાચું બોલતું નથી, તેમની જીભ જૂઠું બોલવા ટેવાઇ ગઇ છે.

[6] તેઓ ખોટે માગેર્ ચડી ગયા છે, પાછા ફરી શકે એમ નથી, અન્યાય પર અન્યાય અને છેતરપિંડી ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે! મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.” આ યહોવાના વચન છે.

[7] તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ. હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ હું તેઓની પરીક્ષા કરીશ, આ સિવાય તેઓને માટે હું બીજું શું કરું?

[8] તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે. બધા મોઢે મીઠું બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”

[9] યહોવા પૂછે છે, “આ બધા માટે મારે તેમને શું સજા ન કરવી? આવી પ્રજા પર શું મારો આત્મા વૈર નહિ લે?”

[10] હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું; તેઓ ઉજ્જડ થઇ ગયા છે, તેમાં કોઇ જીવતું રહ્યું નથી. ઢોરનો અવાજ સંભળાતો નથી અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી; સર્વ નાસી ગયા છે.

[11] યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ, શિયાળોની બોડ બનાવી દઇશ, અને હું યહૂદિયાના શહેરોને નિર્જન વગડામાં ફેરવી નાખીશ.”

[12] મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”

[13] યહોવાએ કહ્યું, “એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે. તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે નથી તેનું પાલન કર્યું.

[14] તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે. અને તેઓના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”

[15] આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે, “હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ અને પીવા માટે ઝેર આપવાનો છું.

[16] હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ, તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે; ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે. આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.”

[17] સૈન્યોનો દેવ યહોવા કહે છે, “પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો;

[18] જલદી કરો, તેમને કહો કે ‘આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય, જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’

[19] “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.’”

[20] પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ, દેવનો સંદેશો સાંભળો. તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો; “તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો.

[21] ‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે. અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે. તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી, અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.’”

[22] યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો, ‘ખેતરમાં ખાતરની માફક તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે. અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.’”

[23] યહોવા કહે છે, “જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને પોતાના બળની કે ધનવાને પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.

[24] પરંતુ તેઓ ફકત આ એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે આ જ મને પસંદ છે.” આ યહોવાના વચન છે.

[25] યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ;

[26] જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”

યર્મિયા — Chapters