[1] અમારા દેશવટાના પચ્ચીસમે વષેર્ એટલે કે શહેરનો નાશ થયા પછી ચૌદમે વષેર્, વર્ષની શરુઆતમાં, મહિનાના દશમાં દિવસે યહોવાનો હાથ મારી પર આવ્યો અને તે મને ત્યાં લઇ ગયા.
[2] સંદર્શનમાં યહોવા મને ઇસ્રાએલ દેશમાં લઇ ગયા અને ઊંચા પર્વત પર મને બેસાડ્યો, ત્યાંથી દક્ષિણે મેં એક નગરમાં હોય તેવા મકાનો જોયા.
[3] તે મને તેમની નજીક લઇ ગયા અને મેં પિત્તળની જેમ ચળકતાં એક માણસને જોયો. તેણે માપવા માટેની દોરી અને માપદંડ હાથમાં પકડેલા હતાં, અને તે દરવાજા આગળ ઊભો હતો.
[4] તેણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ધારીને જો, અને ધ્યાન દઇને સાંભળ, હું તને જે કઇં બતાવું તેના પર બરાબર ધ્યાન આપ, કારણ, તને એટલા માટે જ અહીં લાવવામાં આવ્યો છે. તું જે જુએ તે બધું ઇસ્રાએલીઓને જણાવજે.”
[5] એક મંદિરના વિસ્તારની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં “લાંબો હાથ” વાપરતાં, 6 હાથ લાંબો હતો. અને તેણે દિવાલની પહોળાઇ માપી તે એક દંડ હતી અને દિવાલની ઊંચાઇ એક દંડ હતી.
[6] ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે બારસાખનું માપ લીધું તો તે એક દંડ પહોળી.
[7] રક્ષકોની ઓરડી એક દંડ લાંબી અને એક દંડ પહોળી હતી. રક્ષક ઓરડીઓની વચ્ચે પાંચ હાથનું અંતર હતું અને મંદિર તરફ જતી અંદરની પરસાળ એક દંડ લાંબી હતી.
[8] તેણે દરવાજાની મંદિર તરફની પરસાળ માપી. અને તે એક દંડ લાંબી હતી.
[9] તે 8 હાથ લાંબી હતી અને તેના થાંભલા 2 હાથ જાડા હતા, આ ઓસરી મંદિર તરફ જતી હતી.
[10] પરસાળની બન્ને બાજુ સરખા માપની ત્રણ ત્રણ ઓરડીઓ હતી અને તેમની વચ્ચેની ભીંતો પણ બધી સરખી જાડાઇની હતી.
[11] તે પછી એણે દરવાજાના પ્રવેશ ભાગની લંબાઇ પહોળાઇ માપી, તેની પહોળાઇ 10 હાથ તથા લંબાઇ 13 હાથ હતી.
[12] દરેક રક્ષક ઓરડીઓ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. એ ઓરડીઓ દરેક 6 હાથ લાંબી અને છ ઇંચ પહોળી હતી.
[13] એ પછી તેણે એક ઓરડીની પાછલી ભીંતથી સામેની ઓરડીની પાછલી ભીત સુધીનું અંતર માપ્યું તો એક દરવાજાથી સામેના દરવાજા સુધી 25 હાથ હતું.
[14] ને પછી, તેણે બહારના થાંભલેથી માંડીને દરવાજા પાસેના બીજા થાંભલા સુધી માપ લીધું અને તે 60 હાથ હતું.
[15] પરસાળની કુલ લંબાઇ પ્રવેશદ્વારથી ઓસરીના અંદરના છેડા સુધી, 50 હાથ હતી.
[16] પરસાળની બંને તરફથી તથા રક્ષક ઓરડીની પરસાળ તરફની બારીઓ સાંકડી થતી જતી હતી. પ્રવેશભાગ તરફની પરસાળ તથા ઓસરીની ભીંતોમાં પણ આ જ પ્રમાણે બારીઓ હતી. અને એ ઓસરી તરફની ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી.
[17] ત્યાર બાદ તે માણસ મને દરવાજામાં થઇને મંદિરની ફરતે આવેલાં બહારના ચોકમાં લઇ ગયો. તેની બહારની ભીંતને અડીને ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી અને તેની સામેની જગ્યા ફરસબંધીવાળી હતી.
[18] એ ફરસબંધી આખા ચોકની ફરતે કરેલી હતી. અંદરના ચોક કરતાં આ બહારનો ચોક થોડો નીચો હતો.
[19] થોડે ઊંચે એક દરવાજો હતો, તેમાંથી અંદરના ઓરડામાં જવાતું હતું. પેલા માણસે બે દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તો તે 100 હાથ હતું. ઉત્તર અને પૂર્વ દિશાનું માપ સરખું હતું.
[20] ત્યાર બાદ તે માણસે બહારના ચોકમાં જવાનો ઉત્તર તરફનો દરવાજો માપ્યો.
[21] આ દરવાજામાં પણ દરેક બાજુએ ત્રણ રક્ષક ઓરડીઓ હતી, આ દરવાજાની રક્ષક ઓરડીઓના, તેમની વચ્ચેની ભીંતના અને પરસાળના માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, દરવાજાની લંબાઇ 50 હાથ હતી, બંને તરફની રક્ષક ઓરડીઓની છત વચ્ચેની પહોળાઇ 25 હાથ હતી.
[22] આ દરવાજામાં ત્રણ બારીઓ, ઓસરી અને ખજૂરીવૃક્ષની કોતરણીના પૂર્વના દરવાજાની જેમ હતાં. સાત પગથિયાં ચઢીને આ દરવાજામાં પહોંચાતું હતું.
[23] પૂર્વના દરવાજાની જેમ જ ઉત્તરના દરવાજા સામે અંદરના ચોકમાં જવાનો એક દરવાજો હતો. આ બે દરવાજાઓ વચ્ચેનું અંતર 100 હાથ હતું.
[24] પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લઇ ગયો, તેણે તેના માપ લીધાં અને તે પણ ઉપર પ્રમાણે પૂર્વના અને ઉત્તરના દરવાજાઓના માપ જેટલા જ હતાં.
[25] બીજા દરવાજાઓની માફક આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજો એકંદરે 50 હાથ લાંબો અને 25 હાથ પહોળો હતો.
[26] સાત પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું, અને એનો મોટો ખંડ પણ ચોકની સામે જ આવેલો હતો. ઓસરીમાં પડતી ભીંતો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
[27] અહીં પણ અંદરના ચોકમાં જવા માટે એક દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે 100 હાથ થયું.
[28] ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઇને અંદરના ચોકમાં લઇ ગયો. તેણે તે દરવાજો માપ્યો તો તે બીજા દરવાજા જેટલો જ થયો. તેની રક્ષક ઓરડીઓ, થાંભલા, પરસાળ અને ઓસરીના માપ બીજા દરવાજાઓ જેટલાં જ હતાં.
[29] આ દરવાજાની રક્ષક ઓરડીઓને તથા દરવાજાની પરસાળમાં પણ બારીઓ હતી. બીજા દરવાજાની જેમ આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી.
[30] ચોગરદમ પરસાળ હતી. દરેક 25 હાથ લાંબી અને 5 હાથ પહોળી.
[31] માત્ર એક તફાવત હતો કે તેના પ્રવેશદ્વાર સુધી પહોંચવા સાતને બદલે આઠ પગથિયાં હતાં, તેના થાંભલાં પર પણ બીજા થાંભલાની જેમ જ ખજૂરીવૃક્ષની કોતરણી હતી.
[32] પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો.
[33] તેની રક્ષક ઓરડીઓ, મોટો ખંડ અને એની ભીંતો તથા બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજાની કુલ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી.
[34] મોટો ખંડ બહારના ચોકની સામે આવેલો હતો. રસ્તાની બંને બાજુની ભીતો ઉપર ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. આઠ પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું.
[35] પછી તે માણસ મને અંદરના ચોકમાં જવા માટેના ઉત્તર તરફના દરવાજે લઇ ગયો. તેણે તેના માપ લીધાં, તેના માપ પણ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં.
[36] તેની રક્ષકઓરડીઓ, થાંભલાં, પરસાળ, અને ઓસરી તથા બારીના માપ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી.
[37] તેની પરસાળ બહારના ચોકની સામે હતી અને તેની બંને તરફની ભીંતો ઉપર ખજૂરીવૃક્ષની કોતરણી હતી. દરવાજે પહોંચવા માટે આઠ પગથિયાં હતાં.
[38] બહારના ચોકમાં અંદરના દરવાજાને અડીને એક નાની ઓરડી હતી જેમાં થઇને ઓસરીમાં જવાતું હતું. અહીં દહનાર્પણ માટેના પશુઓને ધોવામાં આવતા હતાં,
[39] મોટાં ખંડમાં ચાર મેજ હતાં-દરેક બાજુએ બબ્બે એની ઉપર દહનાર્પણમાં કે પ્રાયશ્ચિતમાં અથવા દોષપ્રક્ષાલનના બલિના પશુઓને વધેરવામાં આવતાં.
[40] ખંડની બહાર પણ ચાર મેજ હતાં-ઉત્તરના દરવાજાની બંને બાજુએ બબ્બે.
[41] આમ ખંડની અંદર ચાર મેજ હતાં અને બહાર ચાર મેજ હતાં. એટલે કુલ આઠ મેજ હતાં. જેના ઉપર પશુઓને વધેરવામાં આવતાં.
[42] ત્યાં બીજી ચાર પથ્થરની મેજ હતી. તે પર વધ કરવા માટેના છરા હતા. દરેક મેજ દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી.
[43] પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
[44] પછી પેલો માણસ મને અંદરના ચોકમાં લઇ ગયો. ત્યાં ઉત્તરના દરવાજાને અડીને એક ખાસ ઓરડો હતો. જેનું મોઢું દક્ષિણ તરફ હતું. એવો જ એક ઓરડો દક્ષિણના દરવાજે અડીને હતો. અને તેનું મોઢું ઉત્તર તરફ હતું.
[45] પેલા માણસે મને કહ્યું, “દક્ષિણના દરવાજા પાસેની ઓરડી મંદિરમાં સેવા કરનાર યાજકો માટે છે.
[46] અને દક્ષિણના દરવાજાની ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે. લેવીઓમાંથી માત્ર તેઓ જ યહોવાની સેવા કરવા પાસે જઇ શકે છે.”
[47] પછી પેલા માણસે આગળના અંદરના ચોકને માપ્યો. તો તે 100 હાથ લાંબો અને 100 હાથ પહોળો હતો. વેદી મંદિરની સામે ચોકમાં હતી.
[48] ત્યાર પછી તે મને મંદિરના પ્રવેશદ્વારની પરસાળમાં લઇ ગયો. તેણે એ પરસાળ માપી તો તે 5 હાથ લાંબી અને 5 હાથ પહોળી હતી. દરેક બાજુના દરવાજા 3 હાથ પહોળા હતાં.
[49] પરસાળની લંબાઇ 20 હાથ અને પહોળાઇ 11 હાથ હતી. ત્યાં દશ પગથિયાં ચઢીને જવાતું હતું. એના પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક થાંભલો હતો.