Skip to content
Opens in a new window

[1] ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશને બીજે વષેર્ યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા રાજ કરવા લાગ્યો.

[2] તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું અને તે યરૂશાલેમની હતી.

[3] અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે છેક પિતૃ દાઉદના જેવું તો નહિ જ, તે બધી બાબતમાં પોતાના પિતા યોઆશને પગલે ચાલ્યો.

[4] પણ તેણે મહત્વના સ્થાનકોનો, મહત્વની જગ્યાઓનો નાશ નહોતો કર્યો. અને લોકોએ ત્યાં બલિદાનો અર્પણ કરવાનું અને ધૂપ પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.

[5] તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા,

[6] પણ તેમના બાળકોને જીવતા રહેવા દીધા, કારણ, મૂસાની સંહિતામાં યહોવાએ જણાવેલું છે કે, “સંતાનોના ગુના માટે મા-બાપને કે મા-બાપના ગુના માટે સંતાનોને દેહાંતદંડ ન દેવો, પ્રત્યેકને તેના પોતાના પાપ માટે જ દેહાંતદંડ દેવો.”

[7] અમાસ્યાએ 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં હરાવ્યા અને તેણે સેલા નગરને કબજે પણ કરી લીધું, તેણે તેનું નામ “યોકતએલ” પાડયું અને આજે એ જ નામે ઓળખાય છે.

[8] પછી અમાસ્યાએ ઇસ્રાએલના રાજા યોઆશને સંદેશો મોકલીને પડકાર કર્યો, “તારું સૈન્ય લઈને યુદ્ધ માટે આવી જા.”

[9] રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી.

[10] સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”

[11] છતાં અમાસ્યાએ સાંભળવાની ચિંતા કરી નહિ, તેથી ઇસ્રાએલનાં રાજા યોઆશ યુદ્ધે ચડયો, તે અને અમાસ્યા યહૂદામાં આવેલા બેથશેમશ આગળ બળનું પારખું કરવા ભેગા થયા.

[12] ઇસ્રાએલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને તેઓ પોતાને ઘેર ભાગી ગયા. યહૂદાના રાજા અમાસ્યાને પકડયો અને યરૂશાલેમ ગયા.

[13] ત્યાં તેણે એફ્રાઈમ દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધીનો 400 હાથની યરૂશાલેમની ભીત તોડી પાડી.

[14] તેણે બધું સોનું, ચાંદી, મંદિરમા મળી શકે તે બધાં વાસણો, અને રાજમહેલનો ખજાનો લઇ લીધો અને બંધકોને પણ લઇને તે સમરૂન પાછો ગયો.

[15] યોઆશના શાસનનાં બીજાં બનાવો, તેનો વિજય અને યહૂદાના રાજા અમાસ્યા સાથેનાં તેનાં યુદ્ધો તે બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

[16] આમ યોઆશ પિતૃલોકને પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યરોબઆમ રાજગાદી પર આવ્યો.

[17] ઇસ્રાએલના રાજા યોઆશના મૃત્યુ પછી યહૂદાનો રાજા અમાસ્યા 15 વર્ષ જીવ્યો.

[18] અમાસ્યાના શાસન દરમ્યાનના બીજા બનાવો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

[19] તેની સામે યરૂશાલેમમાં કાવતરું રચવામાં આવ્યું, તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેના દુશ્મનોએ હત્યારા મોકલીને તેનો પીછો કર્યો અને ત્યાં જ તેને મારી નાખવામાં આવ્યો.

[20] ઘોડસવારો મારફતે તેના મૃતદેહને યરૂશાલેમ લાવવામાં આવ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.

[21] યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો.

[22] અમાસ્યાના અવસાન પછી અઝાર્યાએ એલાથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.

[23] યહૂદાના રાજા યોઆશના પુત્ર અમાસ્યાના શાસનના 15મા વષેર્ યોઆશનો પુત્ર યરોબઆમ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 41 વર્ષ રાજ કર્યું.

[24] તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓને પાપકમોર્ કરવા પ્રેર્યા હતાં તે એણે છોડયાં નહિ,

[25] ઇસ્રાએલના દેવ યહોવાએ પોતાના સેવક ગાથ-હેફેરના પ્રબોધક આમિત્તાયના પુત્ર યૂના મારફતે ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબઆમે હમાથના ઘાટથી તે મૃતસરોવર સુધીની ઇસ્રાએલની સરહદ પાછી મેળવી લીધી,

[26] કારણ, યહોવાએ જોઈ લીધું હતું કે ઇસ્રાએલને કેવાં આકરાં કષ્ટો સહન કરવાં પડે છે અને ઇસ્રાએલની સાથે ચડે એવું કોઈ રહ્યું નહોતું.

[27] પણ યહોવાએ ઇસ્રાએલના નામને ધરતીના પડ પરથી ભૂંસી ન નાખવાનો નિશ્ચય કર્યો હતો, આથી તેમણે યોઆશના પુત્ર યરોબઆમ મારફત તેમણે તેઓને વિજય અપાવ્યા.

[28] યરોબઆમના શાસનના બીજા બનાવો, તેણે મેળવેલા વિજયો અને તેના પરાક્રમો અને તેણે દમસ્ક અને હમાથ પર ઇસ્રાએલનો કબજો પાછો મેળવી આપ્યો એ બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલું છે.

[29] પછી યરોબઆમ બીજો મૃત્યુ પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજગાદી પર આવ્યો.

2 રાજાઓનું — Chapters