Skip to content
Opens in a new window

[1] સુલેમાને યહોવાનું મંદિર બાંધવાની શરૂઆત કરી, જ્યા એના પિતા દાઉદને મોરિયા પર્વત પર યહોવાએ દર્શન આપ્યા હતા. એ જગ્યા યબૂસી ઓર્નાન ઘઉં ઝૂડવાની ખળી ઉપર હતી. સુલેમાન બાંધકામ શરૂ કરે તે પહેલા દાઉદે તે જગ્યા તૈયાર કરી હતી.

[2] સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી.

[3] હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો.

[4] મંદિરના આગળના પ્રાગણની લંબાઇ, મંદિરની પહોળાઇ જેટલી 20 હાથ હતી, અને ઊંચાઇ 120 હાથ હતી, એનો અંદરનો ભાગ સુલેમાને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો.

[5] મંદિરની અંદરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાંથી જડી દીધેલી હતી અને તેમને શુદ્ધ સોનાથી મઢી દીધી હતી અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરેલી હતી.

[6] તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું.

[7] તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં.

[8] મંદિરમાં એક તરફ પરમપવિત્રસ્થાન હતું, તેનું માપ: પહોળાઇ 20 હાથ અને ઊંચાઇ 20 હાથ હતી. તેને સોનાથી મઢવામાં આવ્યું હતું. જેનું વજન લગભગ 20,400 કિલો જેટલું હતું.

[9] સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં.

[10] તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા.

[11] એ કરૂબ દેવદૂતોની પાંખોનો કુલ વિસ્તાર 20 હાથનો હતો. એક કરૂબ દેવદૂતની એક પાંખ પાંચ હાથ ફેલાઇને મંદિરની ભીંતને અડતી હતી અને બીજી પાંખ, 5 હાથ ફેલાઇને બીજા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી.

[12] એજ રીતે બીજા કરૂબ દેવદૂતની એક પાંખ ફેલાઇને મંદિરની બીજી ભીંતને અડતી હતી. અને બીજી પાંખ પહેલા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી

[13] આ પ્રમાણે કરૂબ દેવદૂતોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી; તેઓ પોતાના પગ ઉપર ઊભા રહેલા, ને તેઓનાં ચહેરા અંદરની તરફ વળેલા હતાં અને તેઓ પગ પર ટટ્ટાર ઉભાં હતાં.

[14] તેણે નીલા, જાંબુડા, અને ઉજળા લાલ રંગના શણના પડદા બનાવ્યા, ને તેના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિનું ભરતકામ કરેલું હતું.

[15] મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા,

[16] તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં.

[17] એ બે સ્તંભો તેણે મંદિરની સામે ઊભા કરાવ્યા, એક જમણી બાજુએ અને એક ડાબી બાજુએ. જમણી બાજુના સ્તંભનુ નામ “યાખીન” અને ડાબી બાજુનાનું નામ “બોઆઝ” રાખ્યું.

2 કાળવૃત્તાંતનું — Chapters