Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:46

[1] મેં રાત્રે મારા પ્રાણપ્રિયને પલંગમાં શોધ્યો, મેં તેને શોધ્યો પણ તે મને મળ્યો નહિ.

[2] મેં કહ્યું, હું તો ઊઠીને નગરમાં, ગલીઓમાં તથા સરિયામ રસ્તાઓમાં ફરીને; મારા પ્રાણપ્રિયને શોધીશ.” મેં તેને શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.

[3] નગરમાં ચોકી માટે ફરતા ચોકીદારોનો મને ભેટો થયો; મેં તેઓને પૂછ્યું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”

[4] તેમનાંથી ફક્ત થોડે જ દૂર હું ગઈ એટલે મારો પ્રાણપ્રિય મને મળ્યો, જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી માતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, તેને છોડ્યો નહિ.

[5] હે યરુશાલેમની યુવતીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ આપીને કહું છું કે તેની મરજી થાય ત્યાં સુધી, તમે મારા પ્રીતમને જગાડશો નહિ.

[6] ધુમાડાના સ્તંભ જેવો, બોળ, લોબાન તથા વેપારીઓના સઘળાં સુગંધી દ્રવ્યોથી મહેકતો, આ જે અરણ્યમાં આવતો દેખાય છે તે કોણ છે?

[7] જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની આસપાસ સાઠ યોદ્ધાઓ, સાઠ ઇઝરાયલી સૈનિકો છે.

[8] તેઓ તલવારબાજીમાં તથા યુદ્ધમાં કુશળ છે. રાત્રીના ભયને કારણે, તે દરેક માણસની તલવાર તેની જાંઘે હોય છે.

[9] સુલેમાન રાજાએ પોતાના માટે લબાનોનના લાકડામાંથી રથ બનાવ્યો.

[10] તેના સ્તંભ ચાંદીના, તેનું તળિયું સોનાનું તથા તેનું આસન જાંબુડા રંગનું બનાવ્યું છે. તેમાં યરુશાલેમની દીકરીઓ માટેનાં પ્યારરૂપી ચિત્રવિચિત્ર ભરત ભરેલું છે.

[11] હે સિયોનની દીકરીઓ, નીકળી આવો, જુઓ સુલેમાન રાજાને, તેના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે જે મુગટ તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટ સહિત તેને નિહાળો.

ગીતોનું ગીત — Chapters