Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:23

[1] જયારે હલવાને તે સાત મહોરમાંથી એકને તોડ્યું ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે, ‘આવ.’”

[2] મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.

[3] જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’”

[4] ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.

[5] જયારે તેણે ત્રીજું મહોર તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં.

[6] અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’”

[7] જયારે તેણે ચોથું મહોર તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, ‘આવ.’”

[8] મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.

[9] જયારે તેણે પાંચમુ મહોર તોડ્યું, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા.

[10] તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇનસાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાંઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?’

[11] પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’”

[12] જયારે તેણે છઠ્ઠું મહોર તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો,

[13] જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા.

[14] વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.

[15] દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા;

[16] તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, ‘અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.’”

[17] કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?

પ્રકટીકરણ — Chapters