Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:31

[1] છેવટે મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એકની એક જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી; કારણ કે તે તમારા રક્ષણને માટે છે.

[2] કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો.

[3] કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.

[4] તોપણ દેહ પર ભરોસો રાખવાનું મારી પાસે કારણ છે; જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા વિશેષ છે;

[5] આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી.

[6] ધર્મના આવેશ સંબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.

[7] છતાં પણ જે બાબતો મને ઉપયોગી હતી, તે મેં ખ્રિસ્તને સારું હાનિકારક જેવી માની.

[8] વાસ્તવમાં, ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,

[9] અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય;

[10] એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,

[11] કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.

[12] હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ હું સતત આગળ ધસું છું, કે જે હેતુથી ખ્રિસ્તે મને તેડી લીધો છે તેને સિદ્ધ કરું.

[13] ભાઈઓ, મેં સિદ્ધ કરી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું કે, જે પાછળ છે તેને વીસરીને તથા જે આગળ છે તેની તરફ ઘસીને,

[14] ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, ધ્યેય તરફ આગળ વધું છું.

[15] માટે આપણામાંના જેટલાં પૂર્ણ છે, તેટલાંએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઈ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે.

[16] તોપણ જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ, તે જ ધોરણે આપણે ચાલવું જોઈએ.

[17] ભાઈઓ, મને અનુસરો, અમે જે નમૂનો તમને આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલે છે તેઓ પર લક્ષ રાખો.

[18] કેમ કે ઘણાં એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, ‘તેઓ ખ્રિસ્તનાં વધસ્તંભના શત્રુઓ છે.

[19] વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.

[20] પણ આપણા માટે તો, ‘આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ.

[21] તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.’”

ફિલિપ્પીઓને પાઉલ પ્રેરિતનો પત્ર — Chapters