[1] હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું.
[2] તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો.
[3] તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે.
[4] તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.
[5] દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે.
[6] તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે.
[7] તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે.
[8] જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે.
[9] તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે.
[10] તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.
[11] તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.
[12] તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.
[13] તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.
[14] હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
[15] તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.
[16] વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.
[17] તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
[18] તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”
[19] મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!
[20] મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.
[21] પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.
[22] યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!
[23] દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
[24] મારો જીવ કહે છે, “યહોવાહ મારો હિસ્સો છે;” તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.
[25] જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે.
[26] યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.
[27] જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.
[28] યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.
[29] તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.
[30] જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
[31] કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
[32] કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
[33] કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
[34] પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
[35] પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
[36] કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
[37] પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
[38] પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
[39] જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
[40] આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.
[41] આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.
[42] “અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.
[43] તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.
[44] અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.
[45] તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
[46] અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
[47] ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.”
[48] મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે.
[49] મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી
[50] જ્યાં સુધી યહોવાહ આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી,
[51] મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે.
[52] તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે.
[53] તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે.
[54] મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!”
[55] હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.
[56] જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, “હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો.”
[57] જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, “બીશ નહિ!”
[58] હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે.
[59] હે યહોવાહ, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.
[60] મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરાં તમે જોયા છે.
[61] હે યહોવાહ, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરુદ્ધ કરેલા સર્વ કાવતરાં તમે સાંભળ્યાં છે.
[62] મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો.
[63] પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે.
[64] હે યહોવાહ, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.
[65] તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો.
[66] ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!