[1] મારા ભાઈઓ, તમારામાંના ઘણાં ઉપદેશક ન થાઓ, કેમ કે તમે જાણો છો કે ઉપદેશકોને તો વિશેષ સજા થશે.
[2] કેમ કે આપણે ઘણી રીતે ઠોકરો ખાઈએ છીએ; જો કોઈ બોલવામાં ઠોકર નથી ખાતો, તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.
[3] જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ.
[4] વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.
[5] તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે!
[6] જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે.
[7] કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે;
[8] પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.
[9] તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં મનુષ્યોને શાપ પણ આપીએ છીએ.
[10] એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.
[11] શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે?
[12] મારા ભાઈઓ, શું અંજીરી જૈતૂન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી.
[13] તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે,
[14] પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો.
[15] એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે.
[16] કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે.
[17] પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.
[18] વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.